સાંજના સાત વાગ્યાના ન્યૂઝની હેડલાઈનથી મિતેશના કાન ઊંચા થઈ ગયા. “શહેરના
પૉશ એરિયામાં હુક્કા બાર ઉપર પોલીસના દરોડા, ચાર કપલની અટકાયત.” વિઝ્યુઅલ્સ્ જોયા. બધાના મ્હોં ઢંકાયેલા હતા.
મિતેશ સ્વગતઃ બોલી ઊઠ્યોઃ “આજકાલના છોકરા-છોકરીઓ છાકટા થઈ ગયા છે. સમાજ, ઈમેજ, આબરુની
કંઈ જ પડી નથી.”
તેણે પત્નીને બૂમ પાડીને કહ્યું કે “અરે, આ ક્રિષા ક્યાં ગઈ
દેખાતી નથી? ઘરમાં ટકતી જ નથી.
જ્યારે જુઓ ત્યારે બહાર જ હોય છે. બિલકુલ તારા ઉપર ગઈ છે.”
સોનાલી કિચનમાંથી લિવિંગરૂમમાં આવી અને બોલીઃ “બેબી
હવે મોટી થઈ અને કૉલેજમાં ભણે છે. મને કહીને એની ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે. હમણાં
આવતી જ હશે. અને હા, મને કે મારી બેબુને ટૉન્ટ મારવાના બંધ કરી દો. તમારે કાપડના
ધંધામાં મંદી આવી એટલે વહેલા ઘર ભેગા થઈને આમ અમારા બેઉ પર ઉભરા ના ઠાલવો. તમે
બાજુવાળી અમિષા સાથે નૈન-મટક્કા કરતા ફરો છો, એવું અમે મા-દીકરી તો નથી કરતા ને?”
મિતેશ અને સોનાલીએ રાતના નવ સુધીમાં તો ક્રિષાએ
આપેલા બધા જ કૉન્ટેક્ટ્સ પર મૉબાઈલ કૉલ કરી કરીને પુછી લીધું હતું. ક્રિષાનો
મૉબાઈલ તો ક્યારનો સ્વિચ ઑફ્ફ આવતો હતો. તે જેની સાથે ગઈ હતી તેનો મૉબાઈલ પણ બંધ જ
આવતો હતો. હવે કોને પુછવું?
રાતના લગભગ દસ
વાગી ગયા હતા. ડૉરબેલ વાગ્યો. મિતેશે ફ્લેટનો દરવાજો ખોલ્યો અને જોયું તો સામે
પોલીસના યુનિફૉર્મમાં ત્રણ જણા ઉભા હતા.
પોલીસે જ માહિતી
આપતા કહ્યું કે “ક્રિષા પટેલ તમારી ડૉટર છે? હુક્કા બારમાં
કોઈ છોકરા જોડે અજુગતી હરકતો કરતી પકડાઈ છે. દારુ પણ પીધો હતો અને ટૉબેકો વિથ
હુક્કા પણ. અમારે ઘરની તલાશી લેવી પડશે.”
સોનાલીની આંખો સામે સને 2016માં આવેલી મૂવી “લા લા
લેન્ડ” ફ્લેશ બેક બનીને આવી ગઈ, જ્યારે તે પાર્થ સાથે આ
મૂવી જોવા ગઈ હતી. ઘરે કોઈને જાણ ન થાય એની તેણે ખાસ કાળજી લીધી હતી. જો ક્રિષાના
ઉછેરમાં પણ એવી કેર લીધી હોત તો?
એ વખતે મિતેશનો ઠપકો સાંભળવો પડેલો કે “બેબીને બારમાની બૉર્ડની એક્ઝામ છે ને તું આમ બે – ચાર કલાક ઘરની
બહાર ફરતી રહે એ ઠીક નથી.”
સોનાલીએ પતિને કાઉન્ટર કરતા ચોપડાવી દીધું હતું કે “ક્રિષાને એની
ફ્રેન્ડના ઘરે થિયૉરમની પ્રેકટિસ માટે જવાનું હતું અને હું તારા ફ્રેન્ડ પાર્થની
વાઈફને એડમિટ કરી હોવાથી ખબર જોવા ગઈ હતી.”
મૉમ-ડેડના ઝગડાના કારણે ક્રિષા તો ગભરાઈ જ ગઈ હતી. આખરે તેણે મૉમને થેન્કસ્ પણ
કહ્યું હતું કે “સારું થયું મૉમ, તેં મને આજે બચાવી લીધી.”
સોનાલીએ “સેમ ટુ યુ, માય બચ્ચા...” કહીને ક્રિષાને ચુમી લીધી હતી.
જેમ “લા લા
લેન્ડ” મૂવીમાં હીરો રેયાન ગોસલિંગ ઝાઝ પિયાનિસ્ટ છે અને હીરોઈન એમા સ્ટૉન તેને દિલ
દઈ બેસે છે, એમ મિતેશનો ફ્રેન્ડ પાર્થ ક્લાસિકલ મ્યુઝિશિયન છે અને સોનાલી એને દિલ
દઈ બેઠી છે. બેઉ જાણે છે કે પોતે પરણેલાં છે અને પોતાની લાઈફ કોઈ મૂવી નથી. બેઉના
ઘરે રહેલી સચ્ચાઈ ગમે ત્યારે પરેશાન કરી મૂકશે.
પાર્થ મિતેશનો ફેમિલી ફ્રેન્ડ હોવાથી એકમેકના
ઘરે આવવા જવાનું બનતું. સોનાલી જો પાર્થ સાથે હળીમળીને વાત કરતી હોય તો મિતેશ માટે
શંકા કરવા જેવું કશું નહોતું. મિતેશને ક્લાસિકલ મ્યુઝિક સાંભળવાનો શોખ ખરો.
શહેરમાં દર વર્ષે યોજાતા વિન્ટર ક્લાસિકલ મ્યુઝિક વીકની ઑર્ગેનાઈઝિંગ કમિટીમાં પોતે
હોવાથી પાર્થ દર વખતે મિતેશને પણ વૉલન્ટિયર તરીકે જૉઈન કરતો. આથી સાતે સાત દિવસ
મિતેશ પત્ની સોનાલીને લઈને પ્રૉગ્રામમાં હાજરી આપવા જાય.
રાતના આઠેક વાગ્યાથી મહેફિલ જામે તે છેક વહેલી સવારના ત્રણ કે ચાર વાગી જાય. મિતેશને
ઑવર ક્રાઉડમાં સ્વયંસેવકનો બેઝ લટકાવીને ફરવાની મોજ પડતી. બીજી તરફ સોનાલી પ્રાઈવસી
મળતાં જ પાર્થ સાથે અંધકારમાં ઓગળી જાય. દર વર્ષનો આ એક ક્રમ બની ગયો હતો. મિતેશ
હૉલમાં સોનાલીને જ્યાં બેસાડે ત્યાં આવીને સોનાલી ગોઠવાઈ જાય. આથી મિતેશને જરા
સરખો પણ અણસાર આવતો નહિ. એક વાર પાર્થને લઈને તે પોતાના ફ્લેટ પર પહોંચી ગઈ હતી.
ઘરમાં એકલી ક્રિષાને પોતે જ ફ્રેન્ડ સાથે જવાની છુટ આપી દીધી હતી.
એક દિવસ મિતેશ અને પાર્થ જોડે હતા ત્યારે જ તેમના ખાસ દોસ્ત જિગરે કહ્યું હતું
કે “અલ્યા મિતેશ, ભાભીને મેં આઈનૉક્સ
મલ્ટીપ્લેક્સમાં કોઈની સાથે જોયા હતા.” આ સાંભળીને મિતેશને લાગ્યો એથી
મોટો ઝટકો પાર્થને લાગ્યો હતો.
પાર્થે સોનાલીને કૉલ કરીને પુછી લીધું હતું કે “ગઈ
કાલે કોની સાથે મૂવી જોવા ગઈ હતી?”
સોનાલીએ મિતેશના આવા સવાલનો સામનો ઘરે પણ કરવો પડ્યો હતો. તેનો એક જ જવાબ હતો
કે “મારી ઑફિસના સાહેબ સાથે અમે સ્ટાફ મેમ્બર્સ મૂવી જોવા ગયા
હતા. એની ઑબ્જેક્શન?”
મિતેશ હોય કે પાર્થ, બિચારા શું બોલે? કેમ કે સોનાલીનો
એક જ ફંડા હતો કે “હોઠ સાજા તો ઉત્તર
ઝાઝા.”
ક્રિષા સાતમા –
આઠમા ધોરણમાં આવી ત્યારથી મૉમને જોતી આવી હતી. ક્યારેક પાર્થ અંકલ સાથે હંસી-મજાક
કરી લેતી મૉમ. ક્યારેક અપ્પુ અંકલ સાથે મૉબાઈલ ઉપર લાંબી વાતો કરતી મૉમ. ક્યારેક
ઑફિસવાળા અંકલ સાથે પોતાને પણ આઈસક્રીમ ખાવા લઈ જતી મૉમ. તો કદીક મોઈન અંકલ સાથે
પોતાને મૂવી જોવા લઈ જતી મૉમ. બે વર્ષથી કૉલેજની હવામાં આવી ગયેલી ક્રિષાને હવે
બધું સમજાવા માંડ્યું હતું કે પપ્પાના ફ્રેન્ડ રાજન અંકલ મૉમ પાસે રાખડી પણ બંધાવે
છે અને આખું વરસ મૉમને મોંઘી ગિફ્ટ્સ પણ કેમ આપે છે.
પોલીસે મિતેશ અને
સોનાલીને માહિતી આપતા કહ્યું કે “કોઈ સ્મિત સુથાર નામના છોકરા સાથે પકડાઈ છે, તમારી ડૉટર?”
સોનાલી વિચારવા લાગી ગઈ કે બેબીએ તો પોતાના બૉયફ્રેન્ડ વિવાનની વાત કરી હતી. આ
સ્મિત વળી બેબીની લાઈફમાં ક્યાંથી આવી ચઢ્યો? સોનાલી મનોમન
ગણવા લાગી કે જો આ પોલીસની વાત સાચી હોય તો સ્મિત બેબીનો આઠમો બૉયફ્રેન્ડ થયો.
ઘડીભર સોનાલીને લાગ્યું કે ક્રિષા જાણે “મોરના ઈંડા?”
No comments:
Post a Comment