Tuesday, June 19, 2018

એકાગ્રતા એટલે સફળતાનો રાજમાર્ગ - દિનેશ દેસાઈ




  1. એકાગ્રતા એટલે સફળતાનો રાજમાર્ગ - દિનેશ દેસાઈ


ગ્રીસના મહાન તત્વચિંતક ઍરિસ્ટૉટલે કહ્યું છે કે તમે કોઈ પણ કામ પૂરી એકાગ્રતાથી કરતા રહો તો તમને એક દિવસ અવશ્ય પરિણામ (સફળતા) મળે જ છે. ધર્મ, ભક્તિ, ધ્યાન, પૂજા-પ્રાર્થના, સાધના, તપ વગેરે ઉપાય જુદા જુદા હોઈ શકે પરંતુ ઈશ્વર સુધી પહોંચવાના માર્ગ ઉપર ચાલતા રહો તો એક દિવસ મંઝિલ અવશ્ય પ્રાપ્ત થાય જ છે.
રાજકુમાર સિદ્ધાર્થ જે રસ્તા ઉપર ચાલ્યા એ પછી ભગવાન બુદ્ધ તરીકે ઓળખાયા. રાજા ભરથરી પણ ઋષિ ભર્તુહરિ તરીકે જાણીતા બન્યા. રાજા ગોપીચંદ અને રાજા હરિશ્ચંદ્રની જીવનકથાનો સારાંશ પણ ધર્મ અને ભક્તિની દિશામાં પ્રેરણાદાયી છે. કોઈ પણ મહાપુરુષોના જીવનના વિવિધ પ્રસંગો અસાધારણ અને પ્રેરક છે. જીવન જીવવાનું ચાલકબળ એમાંથી મળી રહે છે.
ધર્મ-ભક્તિની અઘરી વાત સાદા સીધા શબ્દોમાં કરતા બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજે કહ્યું છે કે ચાળીસ વર્ષ સુધી સતત અક્ષરમંદિરમાં વાસણ ઉટક્યા છે, તંઈએ આ ગાદી ઉપર બેઠા છીએ.
સમગ્ર મનુષ્યદેહ દુર્લભ પણ છે અને અમૂલ્ય પણ છે. આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન એટલું તો આગળ વધ્યું જ છે કે મૃતદેહમાંથી કિડની, લીવર, હૃદય અને બે આંખનું પ્રત્યારોપણ કરી શકાય છે. મૃત્યુની સમીપ સરકી રહેલા કુલ ત્રણ માણસને જીવન આપી શકાય છે અને આંખથી દિવ્યાંગ કમ સે કમ બે અલગ અલગ વ્યક્તિને દૃષ્ટિ પણ આપી શકાય છે. પરંતુ જીવવિજ્ઞાની લેબોરેટરીમાં કિડની, લીવર કે આંખ બનાવી શકતા નથી. હૃદયના સ્ટેન્ટ અને પૂર્જા વગેરે બજારમાં આવી ગયા પણ હ્યુમન હાર્ટ નહીં.



એક જીવવૈજ્ઞાનિકે કહ્યું હતું કે માનવદેહની કિંમત આંકી શકાય નહીં, કેમ કે તેને બજાર પ્રૉડક્ટ પ્રમાણે બનાવી શકાતો નથી. આમ છતા તેની વેલ્યુ 6000 મિલિયન ડૉલર કે તેનાથી અધિક ગણાય. સમગ્ર દુનિયાની વસતી આશરે 6 અબજથી અધિક ગણીએ તો દુનિયાની એક એક વ્યક્તિ એક એક કરોડ રૂપિયાનો ફાળો આપે તો પણ માનવદેહ મળી શકે નહીં. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે કરોડ રૂપિયા ખર્ચતા પણ આ મનુષ્યદેહ નહીં મળે.
દેશની સ્વતંત્રતાના અરસામાં યાને સને 1947ના સમયમાં એક તોલા (દસ ગ્રામ) સોનાનો ભાવ વીસ રૂપિયા હતો. ચાળીસ વર્ષ બાદ સને 1986-87માં એક તોલા (દસ ગ્રામ) સોનાનો ભાવ અઢી હજાર રૂપિયા હતો. હવે ત્રીસ વર્ષ બાદ સને 2017માં એક તોલા (દસ ગ્રામ) સોનાનો (રોજેરોજ ભાવ બદલાતા હોવાથી) સરેરાશ ભાવ રૂપિયા 28,500થી રૂપિયા 29,000 છે. ગુણાતીતાનંદ સ્વામીએ 230 વર્ષ પહેલા કરોડ રૂપિયાવાળી વાત કરી હતી. એ હિસાબે આજે માનવદેહની મૂલ્યવૃદ્ધિ ગણવી રહી.
જીવવિજ્ઞાનીઓએ દુનિયામાં માણસની એવરેજ એજ 100 વર્ષ ગણાવી છે. અલબત્ત 100 વર્ષની સરેરાશ આયુ તો ચીન અને જાપાનમાં પૉસિબલ છે. અમેરિકામાં આ એવરેજ 70થી 75 વર્ષની છે, તો આપણા દેશમાં આ એવરેજ એજ 60થી 65 વર્ષની છે. માણસ 100 વર્ષ જીવી લે છે, એમ માની લઈએ. પરંતુ એ પછી તો બધું ખતમ. આપણને આપણા પિતા અને તેમના પિતા યાને દાદાનું નામ ખબર હોય, એ પછી વડવાઓના નામો પુછવામાં આવે તો આપણને ખબર જ ના હોય.
વંશ-વારસો પણ આપણને યાદ રાખશે એમ માનવું ભુલભરેલું છે. એક, બે અને ત્રણ પેઢી સુધી જ ખબર હોય. બીજી તરફ પેઢીઓ વીતી જવા છતા નાગર કૃષ્ણભક્ત નરસિંહ મહેતાનું નામ સૌને યાદ હોય. આ ભક્તકવિ આપણી ન્યાતના ના હોય અથવા આપણે એમની જ્ઞાતિના કે સગાં ન હોઈએ તો પણ એમને યાદ રાખીએ છીએ તે ભક્ત અને ભક્તિની કમાલ છે. ભક્તિ અમરત્વ અપાવી દે છે.



સૃષ્ટિના સર્જક કુદરત કે ભગવાનથી કોઈ મહાન નથી. આકાશમંડળમાં એક નિહારિકા યાને એક બ્રહ્માંડમાં એક અબજ તારાઓ સહિત ગ્રહમંડળ છે, જેમાં એક પૃથ્વી પણ આવી ગઈ. અવકાશવિજ્ઞાનીઓ કહે છે કે કુલ સાડા ત્રણ અબજ નિહારિકાઓ અસ્તિત્વ ધરાવે છે. હવે એક નિહારિકામાં જો એક અબજ તારાઓ સહિત ગ્રહમંડળ અને પૃથ્વી છે, તો સાડા ત્રણ અબજ નિહારિકાઓમાં કેટલા ગ્રહમંડળ ને કેટલા તારામંડળો ને કેટલી પૃથ્વીઓ? ગણ્યા ગણાય નહીં ને તોય પાર આવે નહીં એટલા ગામો, શહેરો, રાજ્યો અને દેશો અને ખંડ-પ્રખંડો.

સ્પેસસાયન્ટિસ્ટોએ તો હમણા થોડા વખત પહેલા કહ્યું કે સાડા ત્રણ અબજ નિહારિકાઓ છે પરંતુ વેદો-ઉપનિષદો અને પુરાણોમાં તથા જુદા જુદા ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે અનંત કોટિ (અગણિત કરોડો) બ્રહ્માંડ યાને નિહારિકાઓ છે. ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સકળ લોકમાં અનંત કોટિ બ્રહ્માંડ છે અને આ અક્ષર (બ્રહ્મ, બ્રહ્મસ્વરુપ)ના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ ફરફરે છે. એવા અક્ષરબ્રહ્મસ્વરુપ આગળ સામાન્ય માનવી એટલે દરિયા આગળ ટીપું પણ ન ગણાય.
જસ્ટ ટ્વીટઃ-
વિદ્યાયામ્ અધ્યાત્મવિદ્યાઃ
ઋગ્વેદ




No comments:

Post a Comment