બૂટઃ એક ભૂતકથા - દિનેશ દેસાઈ
મારા લધુશોધનિબંધનો વિષય હતો, “નવગુજરાતની
ચળવળમાં નેતાઓનું પ્રદાન.” વિષય ધારીએ એટલો સહેલો તો નહોતો જ. જો કે વિષય મેં જ પસંદ
કર્યો હોવાથી એમાં મને કશું અઘરું પણ લાગતું નહોતું. નિબંધ લેખનની પૂરક સામગ્રી
અને કેટલાક ફોટોગ્રાફસ્ માટે મારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર,
મહેસાણા સહિત ઘણા બધા શહેરની મુલાકાત લેવી પડી હતી. કેટકેટલા અનુભવો. માણસે માણસે
જુદી વાત અને જુદો અનુભવ. હકુમતરાયના પ્રદાનની વિગતો મેળવવા માટે એમના ઘર સુધી તો
પહોંચ્યો, પણ એ પછીની સફર આસાન નહોતી.
“ના, ભાઈ, ના. અમારે અમારા નાનાજી વિશે કોઈ વિગતો છપાવવી
નથી. મહેરબાની કરીને તમે અહીંથી સિધાવો.” હકુમતરાયના
દોહિત્ર તો એવી રીતે વાત કરતા હતા કે જાણે એમના દ્વાર ઉપર કોઈ ભિક્ષા લેવા આવ્યા ન
હોઈએ!
રેશમકાન્ત દિવેટીયા નામના નેતાનું પણ અલગ ગુજરાતની ચળવળમાં નોંધનીય પ્રદાન
હોવાનું જાણીને એમની વિગતો મેળવવા પણ પ્રયાસ કર્યો. તેઓ તો જો કે દેવ થઈ ગયા હતા
પણ એમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. એમના બૅન્કર દીકરાએ તો તરેહતરેહના સવાલો
કરીને મને ગૂંચવી જ દીધો હતો.
“તમે આ નિબંધ અને પુસ્તક તૈયાર કરીને શું સિદ્ધ કરવા માગો છો? તમે
મારા પિતાજીની વિગતો અને ફોટાઓ છાપીને એમના નામને વટાવી ખાવા માગો છો?
રૂપિયા કમાવવાના જાતજાતના નુસખાઓ તમે યુવાનો શોધી કાઢો છો મારા પિતાને મર્યા પછી
તો જંપવા દો. શું જોઈને તમે લોકો નીકળી પડો છો?”
આવા સવાલો કોઈ પણ અભ્યાસનિષ્ઠ
વ્યક્તિને એનો અભ્યાસ પડતો મૂકી દેવા મજબુર કરવા માટે પૂરતા હતા પણ મારા મિત્ર
નંદભાઈ મને સધિયારો આપતા. મારા ગાઈડ ડૉ.નૌતમલાલને હું કહેતો પણ ખરો કે “સાહેબ,
આ નેતાઓએ ગુજરાતની સ્થાપના માટે જેમ જાત ઘસી નાખી હતી એમ મેં એમના વિશે લખવા માટે
મારા બૂટ ઘસી નાખ્યા છે.”
બૂટ... પગરખા માટે
મને હંમેશા એક પ્રકારનું ઑબ્સેસન રહ્યું છે. કૉફી-બ્રાઉન રંગના વાદળી (દોરી)વાળા
મેટ્રૉ શૂઝ મેં હમણા જ ચાર હજાર રૂપિયામાં ખરીદ્યા. પ્રવાસમાં જવાનું હોય ત્યારે આ
શૂઝ ખપ લાગે. અગાઉ પાંચ હજાર રૂપિયામાં ખરીદેલા બ્લેક પાર્ટી શૂઝ તો હતા જ. જે
મોટા ભાગે હું પાર્ટી-વૅર તરીકે વાપરતો. મૉર્નિંગ વૉક માટે ઍડિદાસના વ્હાઈટ
સ્પૉર્ટ્સ શૂઝ પણ ખરા. હા, હૉલ શૂઝનો શોખ તો એવો કે ચેઈનવાળા – હૉલ શૂઝ હું દર
દિવાળીએ બનાવડાવું. જૂતાકામના એક કારીગરની માપ લેવાની અને ફિટિંગ, ફિનિશિંગની
કુશળતા મને અનુકૂળ આવી ગઈ હતી. ચારેક હજારમાં એ કારીગર અસલ ચામડાના હૉલ શૂઝ મને
બનાવી આપે. કારના બદલે મૉટર-બાઈક ચલાવવાની થાય ત્યારે હું હૉલ શૂઝ પહેરવાનું પસંદ
કરું. આ સિવાય ડેઝર્ટ સફારી યા ફૉરેસ્ટ સફારીમાં જવાની વેળા આવે ત્યારે મને હૉલ
શૂઝ પહેરવાનું ગમે. યુનિવર્સિટી, નોકરીના સ્થળે હું હંમેશા સાદા અને લૅશવાળા શૂઝ
પહેરવાનો જ આગ્રહ રાખું. કારણ કે ત્યાં દોરી છોડીને પ્રવેશ કરવાની કોઈ કડાકૂટ ન
હોય. સવારે દોરી બાંધી તે બાંધી. પછી છેક સાંજે ઘરે પાછા ફરીએ ત્યારે જ દોરી
છોડવાની આવે.
મારે બૂટ કોઈ પણ
પહેરવાના હોય, છતા હું દરેક બૂટની રોજ બરાબર કાળજી લઉં. દરેક પૅર સાફસુથરી અને
ચકચકિત રાખવાની. લેધર શૂઝની પૉલિશ પણ હું જાતે જ કરું. ઘર બહાર નીકળ્યા પછી સમય
મળે કે મોકો મળે તો બહાર પણ પૉલિશ કરાવી લઉં. અઠવાડિયામાં બે-ત્રણ વાર સ્પૉર્ટ્સ
શૂઝ હું જાતે જ ધોઈને સજાવી રાખું. ઘરના નોકર-ચાકર પાસે હું આ કામ કરાવવાનો વિરોધી
છું. હું માનું છું કે જૂતાં આપણાં છે અને આપણે જ પહેરીએ છીએ તો આપણે જ સાફ-સફાઈ
કરવી જોઈએ. મારે જ્યારે કોઈ કારણસર સામાજિક કામે કોઈના ઘરે જવાનો પ્રસંગ બને
ત્યારે હું ખાસ લૅશ વગરનાં શૂઝ પહેરવાનું પસંદ કરું. ખાસ કરીને પાર્ટી શૂઝ અથવા
કદીક હૉલ શૂઝ. લૅશ વિનાનાં બૂટ પહેરવાનું કારણ એટલું જ કે કોઈના ઘરે જઈએ ત્યારે
શિષ્ટાચાર પ્રમાણે ઘરના આંગણે યા તો ઉંબરે શૂઝ કાઢવા જ પડે. આવા ટાણે જો આપણે દોરી
વિનાનાં શૂઝ પહેર્યા હોય તો એને કાઢવામાં અને ફરી વાર પહેરવામાં સાનુકૂળતા રહે.
મારા વૉર્ડરૉબ પાસેના શૂઝ એરિયામાં નહીં નહીં તોય એક ડઝનથી વધુ શૂઝનો ખજાનો ખરો.
મારી લેખન-સંશોધન
પ્રક્રિયામાં લોકો તરફથી અસહકાર મળે ત્યારે હું નાસીપાસ થઈને કહું પણ ખરો કે “આ
કામમાં માત્ર પૈસાનું પાણી જ થાય છે એવું નથી, મારાં તો બૂટ ઘસાઈ ગયાં.”
આ સાંભળીને મારા
વડીલમિત્ર પ્રદીપભાઈ મને કહે કે “કેમ વળી, તારે ક્યાં બૂટની કમી છે? તારી પાસે તો બૂટનો
ખજાનો છે ને.”
આ શોધનિબંધ તૈયાર
કરવા પાછળ મેં કેટલા દંડ-બેઠક કર્યાં છે, એ તો મારું મન જાણે છે. પત્રવ્યવહાર,
ટપાલ અને કુરિઅરનો ખર્ચ, ફોન કરવાના અને લોકસંપર્ક તથા પ્રવાસ પણ કરવાનો.
પેટ્રોલનો ધુમાડો અને બહારગામ, પ્રવાસ વખતે રહેવા-જમવાના ખર્ચા પણ ખરા.
આ સંશોધનયાત્રા
દરમિયાન અલગ ગુજરાતની ચળવળના એક દીવંગત નેતાના પુત્રએ તો મને મ્હોં ઉપર ચોપડાવી પણ
દીધી હતી કે “તમે તો આ પુસ્તક લખીને રૂપિયા કમાઈ લેશો, પણ અમને તો કોઈ જ
ફાયદો નહીં થાય ને.” હવે એને કોણ સમજાવે કે આ સંશોધન જ્યારે પણ પુસ્તક તરીકે
છપાશે ત્યારે મને કંઈ કરોડો રૂપિયા મળી જવાના નથી. એને કોણ સમજાવે કે હું મારા
વાચન-લેખનના શોખને કારણે જ આ કાર્ય કરી રહ્યો છું, કમાઈ લેવા માટે નહીં. જે રીતે
મને બૂટનું ઑબ્સેશન છે, એ જ રીતે મને વાચન-લેખનનું પણ વળગણ છે. આ વાત હું કોઈને
કેમ કરીને સમજાવું કે વાચન-લેખન મારો શોખ છે, બ્રેડ-બટર નથી. ધીસ ઈઝ નોટ માય કપ ઑફ
ટી.
મારા લઘુશોધનિબંધ
માટે મારે હવે માત્ર રામપ્રતાપ પટેલની જ વિગતો અને તેમના ફૉટોગ્રાફ્સ્ લેવાના બાકી
હતા. મારા ગાઈડ ડૉ.નૌતમલાલના કહેવા પ્રમાણે મહેસાણાના આ સપૂતનું પ્રદાન આમ તો
ઓછું, પણ ધ્યાનાર્હ હોવાથી એમની વિગતો લીધા વિના મારું સંશોધન અધુરું જ ગણાય. મારા
ગાઈડે કહ્યું એ પ્રમાણે એમના અને મારા વચ્ચે બૂટની સામ્યતા હતી. તેઓ પણ શૂઝ –
પગરખાંનાં શોખીન હતા. એમને પણ મારી જેમ જ “બૂટનું વળગણ”. કહે છે કે
અમદાવાદની માંડવીની પોળમાં તેઓ રહેતા ત્યારે નવગુજરાતની ચળવળ વખતે પોલીસ ઉપર
પથ્થરમારો કરવામાં જ્યારે પથ્થરો ખુટી ગયા ત્યારે આંદોલનકારી યુવાનો માટે તેઓએ
પોતાનાં જૂતાંનો ભંડાર ખુલ્લો મૂકી દીધો હતો. બસ, એમનો સંપર્ક યા સરનામું શોધવામાં
મને નવ નેજાં પાણી ઉતરી ગયાં. કોઈ કહે કે રામપ્રતાપ મહેસાણા રહે છે, તો કોઈ કહે કે
તેઓ અમદાવાદમાં જ રહે છે. કોઈએ વળી એવી માહિતી આપી કે તેઓ તો પોતાની દીકરી સાથે
રહેવા અમેરિકા જતા રહ્યા છે.. કોઈ વળી એમ પણ કહેતું કે તેઓ તો ક્યારનાય સ્વર્ગે
સિધાવી ગયા છે. મને કશું સૂઝતું નહોતું. કોઈ દિશા મળતી નહોતી. એમના એકને ખાતર
મારું કામ અધુરું રહી જાય એવું હતું.
એવામાં પ્રદીપભાઈ
મારા માટે આશાના કિરણ જેવા સમાચાર લઈને આવ્યા. મને કહે કે “આ
લ્યો, રામપ્રતાપ પટેલનું સરનામું અને તેમના ઘરનો ટેલિફોન નંબર. અમદાવાદમાં પાલડી,
વાસણા રોડ ઉપર સાબરમતી રીવરફ્રન્ટ તરફની સોસાયટીના બંગલામાં તેઓ રહે છે. મોટી
ઉંમરના કારણે તેઓ ઘરની બહાર કશે નીકળતા નથી. બસ આટલી જ વિગતો ક્યાંકથી મળી છે.”
મેં તો બીજા જ
દિવસે સાંજે કચેરી સમય પુરો થયા પછી રામપ્રતાપભાઈને મળવા એમના ઘરે જવાનું મનોમન
નક્કી કરી નાખ્યું. મને એમ કે એમને ફોન કરવાની જરુર નથી. તેઓ તો ઘરે જ હોય છે ને.
જો કે ધાર્યું તો ધણીનું જ થાય. બીજા દિવસે મોડી સાંજે ઘરેથી નીકળતા જ મોડું થયું.
રાતના છેક નવ વાગે નીકળ્યો પણ નસીબ એકાદ-બે ડગલાં આગળ પાછળ હોય ત્યારે શું થાય? પાલડી પહોંચતા જ
કારમાં પંચર. રસ્તે જતા કોઈ માણસની મદદથી વ્હીલ બદલાવ્યું. એમાં તો રામપ્રતાપભાઈની
સોસાયટી સુધી પહોંચતા રાતના દસ વાગી ગયા. આટલા મોડા કોઈના ઘરે પૂર્વસૂચના આપ્યા
સિવાય ન જ જવાય. પરંતુ મારો સ્વભાવ એવો ખરો કે ડગલું ભર્યું કે ન હઠવું.
ચોતરફ શિયાળાની
રાતનો સન્નાટો. બૉર્ડ લાગેલાં હોય એટલે સોસાયટી શોધવામાં વાંધો ન આવ્યો. આંતરીક
રસ્તા ઉપર મારી કાર સિવાય કોઈ વાહનની અવરજવર જોવા ન મળે. રામપ્રતાપભાઈના ઘર વિશે
પૂછવું તો કોને પૂછવું? એમના ઘરનો નંબર અત્યારે હાથવગો નહોતો કે જેથી એમને ફોન
કરીને ઘર શોધવા વિશે પૂછી શકાય. મળેલી માહિતી પ્રમાણે તો તેઓ એકલા જ રહે છે.
રામપ્રતાપભાઈની સોસાયટીનું નામ લખ્યું હતું એ બૉર્ડ પાસે ધોબીની કૅબિન હતી. બારણું
બંધ હતું પણ અંદર લાઈટ ચાલુ હતી. આથી મેં કાર પાર્ક કરી દીધી અને બારણું
ખટખટાવ્યું. કોઈ આધેડ માણસે માત્ર ડોકું જ બહાર કાઢ્યું.
મેં પૂછ્યું કે “બંગલા
નંબર નવ, રામપ્રતાપભાઈ...?”
પેલાએ ઘડીભર મારી
સામે જોયું ન જોયું અને હાથથી ઈશારો કરીને સામેના ભાગે એક બંગલો બતાવ્યો. એ કશુંક
બોલતો હતો કે “પણ, એ તો...”
પરંતુ હું એની કોઈ
વાત સાંભળ્યા વિના પેલા બંગલાની દિશામાં ઝડપભેર ચાલી નીકળ્યો. છેક છેવાડાનો બંગલો
હતો. આસપાસના બંગલાઓમાં કોઈ ચહલપહલ નહોતી. જાણે સૌ ઝંપી ગયા હતા. બીજા બંગલાઓમાં
તો ડીમલાઈટનો ઝાંખો પ્રકાશ પણ ખરો. જ્યારે બંગલા નંબર નવમાં તો જાણે ઘોર અંધારું.
એક ઘડી તો મને થઈ આવ્યું કે આ રામપ્રતાપભાઈ આટલી બધી કંજુસાઈથી કેમ જીવતા હશે.
સર્વત્ર અંધકાર હતો એમ તેમના બંગલા ઉપર પણ અંધકારનો કબજો હતો. બંગલાના પ્રાંગણમાં
જામી ગયેલા ઘટાદાર વૃક્ષોમાં થઈને વહી આવતા પવનની સરસરાહટ અને પાંદડાઓનો સૂરાવલિ
શાંત માહોલમાં જાણે કાંકરીચાળો કરી લેતી હતી.
મેં બંગલાનો ઝાંપો
ખોલવા પ્રયાસ કર્યો. ઝાંપો જાણે વણવપરાયેલો પડ્યો હોય એમ કાટ ખાધેલા અને હવડ
ઝાંપાનો અવાજ આવ્યોઃ “ક... ડ... ડ... ડ...” ઝાંપાના
કિચુડાટથી સન્નાટામાં વિક્ષેપ પણ પડ્યો. ઝાંપો ખોલીને બંગલાના વિશાળ કમ્પાઉન્ટમાં
મેં પ્રવેશ કર્યો ત્યાં તો બંગલામાં અચાનક ઝાંખો પ્રકાશ રેલાયો અને બંગલાની ભીતરથી
એક સફેદ ઓળો મારી તરફ આગળ વધ્યો.
મને આવકાર આપતા
કહ્યુઃ “આવો, આવો... મનીષભાઈ. કેમ છો?”
રાતના લગભગ
દસ-સાડા દસ તો વાગી ચુક્યા હતા. રાતના સન્નાટાને ચીરતો અવાજ. એમાંય આગંતુકને
નામજોગ સંબોધન. મારા શરીરમાંથી તો એક લખલખું પસાર થઈ ગયું. રોમરોમમાં કશુંક થઈ
ગયું.
“આવો, આવો. અંદર આવો. મારું જ નામ રામપ્રતાપ પટેલ. અહીં હું
એકલો જ રહું છું. તમે મને જ મળવા માટે આવ્યા છો ને?” – મારું આશ્ચર્ય
શમ્યું નહોતું ત્યાં તો શ્વેત કેશ અને સફેદ લેંઘા-ઝભ્ભાવાળા આ તંદુરસ્ત વૃદ્ધે
મારો હાથ પકડી લીધો ને હસ્તધૂનન કર્યું.
હું આંગણું
વટાવીને ઉંબરા સુધી તો પહોંચી જ ગયો હતો. મેં ઘરના ઉંબરા બહાર મારા બૂટ કાઢ્યા. એ
વખતે હું ખાખી રંગના મિલિટરી ટાઈપ હૉલ શૂઝ પહેરીને ગયો હતો.
મારા હૉલ શૂઝ
જોઈને વૃદ્ધની આંખોમાં અજબની ચમક આવી ગઈ. મને કહે કે “તમારા
બૂટ સરસ છે. મને પણ બૂટનો ભારે શોખ હતો. પણ, હવે તો –”
હું એ વૃદ્ધની
પાછળ પાછળ દોરવાતો દોરવાતો બંગલાના મુખ્ય બેઠકખંડમાં પ્રવેશ્યો. ઘરમાં રાચરચીલું
ખરું પણ ઘર જાણે વર્ષોથી બંધ હોય એ રીતે આખું ઘર હવડ હોય એમ લાગતું હતું.
બેઠકખંડમાંથી બીજા ત્રણ અલગ અલગ ખંડમાં જવા માટેના બારણાં જોઈ શકાતા હતા.
“પણ, તમે તો મારા ઘરે સાંજે આવવાના હતા ને? જો કે રાતે આવ્યા
એ ઠીક જ થયું. સાંજે હું તમને ન મળી શક્યો હોત.” – મારા આશ્ચર્યને
બેવડાવતા એ વૃદ્ધ બોલ્યે જતા હતા.
મારા માટે નવાઈની
વાત એ હતી કે આમને ક્યાંથી ખબર પડી ગઈ કે હું સાંજે આવવાનો હતો? જો કે જેમતેમ
કરીને મેં મન મનાવ્યું.
અત્યાર સુધીમાં
સંશોધન નિમિત્તે મને સૌથી વધુ સહકાર અથવા પ્રેમભર્યો આવકાર આ વૃદ્ધે જ આપ્યો હતો.
તેઓ તો ઈતિહાસનાં પાનાં ફંફોસવા માંડ્યા હોય એમ સંસ્મરણો કહેતા ગયા. તેઓ બીજા
રૂમમાં ગયા અને હું બેઠકખંડમાં એકલો પડ્યો ત્યારે ફરી એકવાર ભયનું લખલખું મારા
શરીરમાંથી પસાર થઈ ગયું. બેઠકખંડમાં એક જ દુધિયો બલ્બ હોવાથી ખુબ ઓછો પ્રકાશ જણાતો
હતો. મને થયું કે આ મહાશય ટ્યુબલાઈટના બદલે નાનકડો બલ્બ શા માટે વાપરતા હશે?
થોડી મનિટોમાં જ
તેઓ બીજા રૂમમાંથી બેઠકખંડમાં પાછા ફર્યા. કેટલાક પેપર-કટિંગ્સ્, થોડા
ફૉટોગ્રાફ્સ્ અને પોતાની વિગતોવાળા થોડા કાગળો તેમણે મારા હાથમાં મૂકતા કહ્યું કે “જીવડાં-જીવાત
બહુ થાય છે એટલા માટે હું ટ્યુબલાઈટના બદલે આ નાનો બલ્બ જ પસંદ કરું છું.”
મને નવાઈ લાગી કે
મારા મનના વિચારો આ વડીલ કઈ રીતે વાંચી જતા હશે? મારી આગતાસ્વાગતા
માટે ફક્ત એક ગ્લાસ પીવાનું પાણી તેમણે મને આપ્યું હતું.
પાણીનો ગ્લાસ આપતા
તેઓ બોલ્યા હતા કે “માફ કરજો, મનીષભાઈ. હું તો અહીં એકલો જ રહેતો હોવાથી તમારો
કોઈ આતિથ્યસત્કાર હું કરી શકતો નથી.”
મેં સૌજન્ય
દાખવીને વિવેક પણ કર્યો હતો કે “કશો વાંધો નહીં. તમે મને આટલી મદદ કરી, એ જ મારા માટે બહુ
મોટી વાત છે. આમેય રાતના બાર, સાડા બાર વાગવા આવ્યા છે. હું નીકળું?”
આટલું કહીને હું
ઉભો થયો અને તેઓએ હકારમાં ડોકું હલાવ્યું તથા મારી સાથે હાથ પણ મિલાવ્યો. હું
બેઠકખંડની બહાર આવ્યો અને જોયું તો ઉંબરા પાસે મેં જે હૉલ શૂઝ કાઢ્યા હતા, તેમાંથી
ડાબા પગ માટેનો બૂટ ગાયબ હતો. ઉંબરા પાસે જમણા પગમાં પહેરવાનો એક જ બૂટ પડ્યો હતો.
મારી પાછળ પાછળ મને વળાવવા માટે બહાર આવેલા વૃદ્ધ તરફ મેં પ્રશ્નસૂચક નજર કરી.
તેઓ એટલું જ
બોલ્યાઃ “અરે? તમારો બીજો બૂટ ક્યાં જતો રહ્યો? એમ લાગે છે કે
કોઈ કૂતરું ખેંચી ગયું હશે...”
હું હજુ તો મનમાં
એવું વિચારતો હતો કે આ વૃદ્ધને સુણાવી દઉં કે “તમને ખબર હતી કે
અહીં કૂતરાઓનો આવો ત્રાસ છે, તો મારા બૂટ ઉંબરામાં કાઢવાના બદલે ઘરની અંદર કાઢ્યા
હોત ને?”
જો કે એ વૃદ્ધને
મારા મનની વાત કઈ રીતે સંભળાઈ ગઈ હશે, એની તો મને ખબર નથી પણ તેઓએ માફીના સ્વરમાં
મને કહ્યું કે “માફ કરજો. પણ હું તમને કહેવાનું ભુલી ગયો કે બૂટ બહાર ન
કાઢશો. બૂટ પહેરી રાખ્યા હોત તો પણ ચાલી જાત.”
એ જોઈ શક્યા કે
હું થોડો ખિન્ન થઈ ગયો હતો. બંગલાના આંગણામાં તો ચોતરફ અંધકાર જ અંધકાર હતો. બેઠકખંડના
પેલા નાનકડા બલ્બનો ઝાંખો પ્રકાશ પણ ક્યાં સુધી પહોંચી શકે? હું હજુ તો
વિચારતો જ હતો કે મારો બીજો બૂટ શોધવો ક્યાં?
એવામાં વૃદ્ધ
રામપ્રતાપભાઈએ મને કહ્યું કે “તમે અહીં જ ઉભા રહો. હું હમણા જ ઘરમાં જઈને ફાનસ લઈ આવું.
પછી આપણે તમારો બૂટ શોધી કાઢીએ.” – આટલું કહીને તેઓ તો બંગલાની ભીતર ઝાંખા પ્રકાશમાં ચાલ્યા
ગયા. ખાસ્સી વાર લાગી તો પણ તેઓ તો અંદર ગયા તે ગયા. પાછા બહાર આવ્યા જ નહીં. આમ
ને આમ તો દસ-પંદર મિનિટ વીતી ગઈ. બંગલાનો મુખ્ય દરવાજો પવનની એક જ થપાટે ધડામ્...
અવાજ સાથે બંધ થઈ ગયો. જો કે અવાજ એટલો જોરદાર હતો કે સોસાયટીમાં પથરાયેલા અંધકાર
વચ્ચે અવાજની દિશા પારખીને દંડો પછાડતો એક ચોકીદાર આવી પહોંચ્યો. મોંઢે અને માથે
મફલર અને ટોપી પહેરેલી હોવાથી તેનો ચહેરો જોઈ શકાય એવો નહોતો, પણ યુનિફૉર્મના
કારણે ચોકીદાર જ લાગતો હતો.
બંગલાની બહારના
ભાગે ખખડેલા ઝાંપા પાસે ઉભા રહીને ચોકીદારે રીતસર બુમ જ પાડીઃ “કૌન
હૈ, કૌન હૈ વહાં?” – ઝાંખા પ્રકાશમાં પણ એ જાણે મને તાકી રહ્યો હતો.
મારા જમણા પગનો એક
બૂટ હાથમાં લઈને હું બંગલાની બહારના ભાગેથી ચાલીને ઝાંપા સુધી ગયો. એની નજીક જઈને
કહ્યું કે “મૈં તો રામપ્રતાપભાઈ કા ગેસ્ટ હું... વો ભીતર ફાનુસ લેને કે
લિયે ગયે હૈ. ઈસ લિયે મૈં ઉનકી રાહ દેખ રહા થા.”
ચોકીદાર તો આ
સાંભળીને ચમકી જ ગયો અને બોલ્યો કે “કિસકી બાત કર રહે હો, બાબુજી? રામપ્રતાપજી કો
ગુજરે હુએ તો તીન સાલ હો ગયે. તબસે યહાં તો કોઈ નહીં રહેતા. પતા નહીં, ઉનસે મિલને
કે લિયે લોગ કહાં કહાં સે ચલે આતે હૈ? ઔર તો ઔર, વો આપ જૈસે લોગોં કો મિલતે ભી હૈ...? મેરી તો કુછ
સમજમેં નહીં આતા. બાબુજી, આપકા એક જૂતા ભી ગુમ હો ગયા હોગા. ઠીક હૈ ના..?”
No comments:
Post a Comment