Wednesday, May 26, 2010

જવાની ઝિંદાબાદ ઉર્ફે રૂમાની પ્રેમ - દિનેશ દેસાઈ



જવાની ઝિંદાબાદ ઉર્ફે રૂમાની પ્રેમ - દિનેશ દેસાઈ

આદમીની જિંદગીમાં જવાનીદીવાનીનું મહત્ત્વ નોખુંઅનોખું હોય છે. એમાંય જીવનના ૨૫ વર્ષનો આ તબક્કો રોમેન્ટિસિઝમથી ભરપૂર હોય છે. ‘શું તમે કોઈને કદી પ્રેમ કર્યો છે?’ અને ‘તમને પહેલી વાર કોઈના પ્રત્યે પ્રેમ ક્યારે જાગ્યો?’ પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે કે, ‘સખી, પ્રેમી જાણે વાત પ્રીતની રે, બીજા જાણે શું એ રીતડી રે...’ ૨૫ વર્ષની ભરજુવાની એટલે જાણે આંબે આવ્યા મોર. મનનું પતંગિયું મનગમતી વ્યક્તિની નજીક રહેવા કેવું ઊડાઊડ કરતું હોય છે એ તો માંહી પડ્યા તે મહાસુખ માણે. એનું વર્ણન તો કઈ રીતે થાય? છતાં કવિતા અભિવ્યક્તિનું એક સબળ માધ્યમ હોઈને કેટલીક પ્રણયકાવ્યકૃતિઓ અહીં માણીએમમળાવીએ.
પ્રેમની સફળતા અને નિષ્ફળતાની ગાથાઓ ફૂલ થકી જેમ પર્ણલતાઓ લચી પડે એ રીતે કવિતામાં લચી પડતી મળી રહે છે. પ્રણયની વાત પણ નિરાળી હોય છે. કારણ વિના જ પ્રિય પાત્રની યાદ આવતાં હોઠો ઉપર સ્મિત આવી જાય અને કારણ વિના જ ઉદાસી આંખોમાં છવાઈ જાય એનું જ નામ પ્રેમ. વાત જ્યારે પહેલી વાર પ્રેમમાં પડવાની આવે ત્યારે મારા પ્રિય ગઝલકાર મનહર મોદીનો આ શેર યાદ આવ્યા વિના ન રહે.
‘દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું ?’

ક્યારેક ક્યારેક પ્રણયમાં જવાનીનો જોશ સામા પાત્રના પ્રતિકૂળ પ્રતિસાદના કારણે સાવ ઠંડો પણ પડી જાય છે. એ અવસ્થાને ‘મરીઝ’ આ રીતે પેશ કરે છે.
‘લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો.
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.’
અહીં અમૃત ‘ઘાયલ’ પણ કેમ ન યાદ આવે? અમૃતથી હોઠ સૌના એંઠા કરી શકું છું એમ કહેતા આ ગઝલકાર એક ગઝલમાં પોતાનો મિજાજ આમ પેશ કરે છે.
‘કારણ વગર પ્રહાર કરે છે, કમાલ કરે છે,
ને પાછાં સારવાર કરે છે, કમાલ કરે છે.
બેઠો છે જાળ પાથરી ‘ઘાયલ’ સ્વયં ઉપર,
ખુદનો જ ખુદ શિકાર કરે છે, કમાલ કરે છે.’



ગુજરાતી કાવ્યબાનીમાં તરોતાજા શબ્દ બનીને એક નામ કાયમ સામે આવે છે, એ છે અંકિત ત્રિવેદી. આ કવિ કાવ્ય ખાતર કાવ્ય કરે છે. પ્રણયનાં ભીનાં સંવેદન અને સ્પંદનોને માસૂમી અને મુલાયમી સાથે લાડ લડાવતા કવિમિત્ર અંકિત એક ગઝલનો મત્લા આ રીતે બાંધીને મહેફિલનો માહોલ પણ બાંધે છે કે,
‘અહીંયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે,
એકાદ પીછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.’
ગુજરાતી કવિતાનો સબળ અને પ્રભાવક અવાજ એટલે સૌમ્ય જોશી. આ કવિએ યુવાનીના મિજાજને પકડીને બરાબર ગઝલમાં ઉતાર્યો છે. એક ગઝલમાં તેઓએ લખ્યું છે કે,
‘એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરાં સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ.
આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું?
એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ.’
પ્રેમમાં તો રિસામણાં અને મનામણાંની મોસમ ચાલતી હોય છે. આવી જ મોસમને યાદ કરવાનું મન થાય, જ્યારે કૈલાસ પંડિત એક રમતિયાળ અને મસ્તીભરી ગઝલમાં પ્રેમમાં પડેલા યુવાનની વાતને વાચા આપે છે કે જે પોતાની પ્રિયતમાને સંબોધીને કહેતો હોય છે કે,
‘ઘડીમાં રિસાવું, ખરાં છો તમે,
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.’
તો, આ તરફ ગુજરાતી ગઝલમાં પ્રેમની નવી ઊંચાઈને હરદ્વાર ગોસ્વામીએ કંઈક આ રીતે વ્યક્ત કરી છે.
‘આવી ઊંચાઈ ના કદી આવે,
પ્રેમમાં કોઈએ પછાડ્યો છે.
શ્વાસ ફાગણ બનીને ફોરે છે,
રંગ કેવો તમે લગાડ્યો છે.’
છેલ્લે મારી જ એક ગઝલનો શેર કહીને યંગિસ્તાનના યુવાઓની પ્રણયદાસ્તાન પૂરી કરું. સાવ સરળ અને બોલચાલની ભાષામાં લખાયેલી આ વાતનો ભલા કોણ ઇન્કાર કરી શકે?
‘એમ મળવાનું હવે ક્યાં થાય છે?
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?
આખરે કાફર હતી એ છોકરી,
આંખ લડવાનું હવે ક્યાં થાય છે?’