Monday, June 18, 2018

જીવનના મૂલ્યની અમૂલ્ય વાત - દિનેશ દેસાઈ





જીવનના મૂલ્યની અમૂલ્ય વાત - દિનેશ દેસાઈ


અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામીની વાતોમાં કહ્યું છે કે દુર્લભમાં દુર્લભ મનુષ્યદેહ છે અને એમાંય દુર્લભમાં દુર્લભ સત્સંગ છે. દુર્લભ એટલે શું? દુનિયાની તમામ સંપત્તિ આપી દેવામાં આવે તો પણ જે પ્રાપ્ત ન થાય તેને દુર્લભ કહી શકાય. આજે એકવીસમી સદીમાં જ્ઞાન-વિજ્ઞાનની પ્રગતિ થઈ છે, તેમ છતા દુનિયાનો કોઈ જીવવિજ્ઞાની લેબોરેટરીમાં કૃત્રિમ રીતે માનવદેહ બનાવી શકતો નથી.
આપણી પાસે અમૂલ્ય ચીજ હોય પરંતુ આપણને તેનું મૂલ્ય સમજાતું નથી. આપણને બે આંખનું મૂલ્ય ન હોય પરંતુ જે દૃષ્ટિહીન હોય તેના માટે આંખ અમૂલ્ય છે. તે વિના આંખે પણ આંખોના સપનાં જોતો હોય છે. સમય પણ અમૂલ્ય છે પરંતુ રેતઘડીમાં રેતીની જેમ સરી જતો સમય વીતી જાય પછી જ આપણને તેનું મૂલ્ય સમજાતું હોય છે. વીતેલા સમયને પાછો લાવી શકાતો નથી.
ભગવાન ગૌતમ બુદ્ધના જીવનના પૂર્વાશ્રમનો એક જાણીતો પ્રસંગ છે. રાજપરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ રાજકુમાર સિદ્ધાર્થ. રાજમહેલમાં ધન-વૈભવ અને નોકર-ચાકર વચ્ચે ઉછરતા રાજકુમાર સિદ્ધાર્થને દુનિયાના ભૌતિક દુઃખો વિશે કોઈ જ ખ્યાલ નહોતો. એક દિવસ રાજકુમારે મહેલની બહારની દુનિયા જોવા અને નગરચર્યાએ જવાની જીદ કરી. જેવા તેઓ મહેલની બહાર નીકળ્યા કે તરત સામે તેમને એક વૃદ્ધ દેખાયો. કેડેથી વળી ગયેલો, ભુખથી પેટ સંકોચાઈ ગયેલું, હાથ-પગ દોરડી જેવા પાતળા, દેખાવ ચીંથરેહાલ, લંગડાતી ચાલ અને હાથમાં લાકડી.
રાજકુમાર સિદ્ધાર્થે પોતાની સાથેના સેવકને પૂછ્યું કે આ માણસની આવી દશા કેમ થઈ છે?”
સેવકે કહ્યું કે વૃદ્ધાવસ્થાને કારણે તેની આવી દશા થઈ છે.”
રાજકુમારે વળી સવાલ કર્યો કે વૃદ્ધાવસ્થા કેમ આવતી હોય છે?”



સેવકે જવાબ આપ્યો કે હે રાજન, જન્મ પછી વર્ષ પ્રતિ વર્ષ માણસની ઉંમર વધે એમ કાળક્રમે તેનામાં વિવિધ રોગ-વિકાર સાથે વૃદ્ધાવસ્થા આવતી જ હોય છે.
રાજકુમારે કુતૂહલથી પૂછ્યું કે શું વૃદ્ધાવસ્થા બધાને આવે?”
સેવકે કહ્યું કે હા, રાજન, દરેક માણસને વૃદ્ધાવસ્થા આવે. રાજા, રંક અને ફકીર સહુ કોઈને આવે. સ્ત્રીને પણ આવે અને પુરુષને પણ વૃદ્ધાવસ્થા આવે.
રાજકુમાર સિદ્ધાર્થની શાહી સવારી થોડી આગળ વધી કે સામેથી એક અંતિમયાત્રા આવતી રાજકુમારે જોઈ. એક નનામીને ખભે ઊંચકીને ચાર માણસો ચાલી રહ્યા હતા અને પાછળ પાછળ સફેદ કપડાં પહેરીને ઘણા બધા માણસો રામ બોલો ભાઈ, રામ...ના નારા સાથે જઈ રહ્યા હતા.
સમગ્ર દૃશ્ય જોઈને રાજકુમારે પૃચ્છા કરી કે આ વળી શું છે?
સેવકે કહ્યું કે મહારાજ, આ અંતિમયાત્રા છે.
રાજકુમાર બોલી ઊઠ્યા કે પણ, એમાં વળી આ માણસને બાંધીને શા માટે અને ક્યાં લઈ જવામાં આવે છે?
સેવકે જવાબ આપ્યો કે હે સ્વામી, માણસ મૃત્યુ પામ્યો છે. આથી તેને નનામી (અર્થી) સાથે બાંધીને સ્મશાને લઈ જવામાં આવે છે. સ્મશાન માણસનું અંતિમધામ હોય છે. જ્યાં સ્વજનો મૃતદેહને મૂકીને સળગાવી દેતા હોય છે. આખેઆખો માણસ મર્યા પછી રાખ યાને માટી થઈ જાય છે. મૃતદેહની રાખ વાસણ ઘસવા પણ કામ આવતી નથી. મોત પછી માણસનું કોઈ મૂલ્ય નથી. ઘરમાંથી પણ મૃતદેહને લઈ જવા સ્વજનો ખુદ કાઢો... કાઢો... એમ કહેતા હોય છે.



રાજકુમારે પૂછ્યું કે શું મોત બધાને આવે?
સેવકે વિનમ્રતાથી જવાબ આપ્યો કે હા, રાજન. મોત બધાને આવે અને બધાના હાલ આવા જ થવાના. મોત અમીર-ગરીબ, રાજા કે રંક, એવા ભેદભાવ રાખતું નથી. જે માણસ જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. વન બાય વન, બધા મરવાના.
રાજકુમારે ચિંતિત થઈને પૂછ્યું કે તો પછી મૃત્યુથી ઉગરવાનો કોઈ ઉપાય ખરો?
સેવક બોલ્યો કે મોત કોઈને છોડતું નથી. એમાંથી બચવાનો કોઈ ઉપાય હોય તો એક જ કે ભગવદભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ.
જીવનનું સત્ય મોત છે એવું બ્રહ્મજ્ઞાન થયા પછી જ રાજકુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો. એ પછીની વાત પણ જાણીતી છે કે તેઓએ બોધિ વૃક્ષ નીચે ઉગ્ર તપશ્ચર્યા કરીને બુદ્ધત્વ પામ્યા. ભગવાન બુદ્ધની તપશ્ચર્યા સાથે જોડાયેલું બોધિ વૃક્ષ આજે પણ મોજુદ છે. એ સ્થળનું નામ બોધિગયા છે.
જસ્ટ ટ્વીટઃ-
પુનરપિ જનમમ્ પુનરપિ મરણમ્, પુનરપિ જનની જઠરે શયનમ્,
ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્, ભજ ગોવિંદમ્ મૂઢ મતેઃ
ગીતા ઉપર શંકરાચાર્ય ભાષ્ય



No comments:

Post a Comment