Saturday, July 23, 2016

પ્રેમ એટલે હંમેશા પોઝિટીવ વેવ્સ્ - દિનેશ દેસાઈ

રશિયન સાહિત્યકાર ફ્યોદોર દોસ્તોવ્યેસ્કી (1821-1881)એ લખ્યું છે કે “જીવનમાં તમે જે કંઈ કરો છો, એ તમારી ખુશી માટે કરો છો. તમારી ખુશીથી વિશેષ કશું જ ન હોઈ શકે. જ્યારે તમને કોઈ એક્શન કરવા ખાતર કરતા હોવાનું લાગે તો તમારે એમ ન જ કરવું વધુ બહેતર છે.” પ્રેમ એટલે જ ખુશી. પ્રેમ એટલે જ હેપ્પીનેસ. પ્રેમ એટલે જ હંમેશા પોઝિટીવ વેવ્સ્. જો તમારી જિંદગીમાં તમે પ્રેમની અનુભૂતિ કરી હોય તો તમને હંમેશા પોઝિટીવનેસ યાને પોઝિટીવ એનર્જી જ મળી હોવી જોઈએ. જો એમ ન બન્યું હોય અને તમને નકારાત્મકતાનો અનુભવ થયો હોય તો માની લેવું કે એ બીજું કશુંક હોઈ શકે, પરંતુ પ્રેમ તો નહોતો જ. પ્રેમમાં કોઈ પણ જાતની નેગેટીવિટીને સ્થાન જ ન હોઈ શકે. દોસ્તોવ્યેસ્કી કહે છે એમ, તમે કોઈને ચાહો છો, તો એ કોઈ ફોર્મલ-જોબ કે કરવા ખાતર કરવાનું કામ નથી. તમારું દિલ શું કહે છે, એ પણ એટલું જ જરુરી બને છે. દિલની વાતને અનુસરો. પ્રેમ એ કોઈ પાર્ટ-ટાઈમ જોબ કે પાર્ટ-ટાઈમ બિઝનેસ નથી. કોઈ વ્યક્તિ તમને ગમી જાય, તેનું સ્મિત તમને આનંદ, ખુશી આપી જાય તો સમજવું કે તમને એ વ્યક્તિ ગમે છે. એવી વ્યક્તિની કંપની તમને પોઝિટીવ એનર્જી આપે છે. ઘણી વાર તમે અનુભવ્યું હોય કે અમુક વ્યક્તિની હાજરીથી તમને કંટાળો આવે, તનાવ અનુભવાય, કોઈકની કંપની બોરિંગ લાગ્યા કરે, તો એવી વ્યક્તિ અવશ્ય તમારા માટે નેગેટિવ-વેવ્સ્ આપનારી ગણાય. બની શકે તો એવી નેગેટિવ-વેવ્સ્ આપનારી વ્યક્તિથી યોગ્ય અંતર રાખવું જોઈએ. કારણ કે તમે ખુશીને પસંદ કરો છો, દુઃખને નહીં. તમારે તમારી ખુશી અને હેપ્પીનેસ માટેની પ્રાયોરિટી પણ સમજવી જોઈએ. જ્યારે કોઈ પણ સંબંધની દોરનું બેઉ પક્ષે સમતુલન ન જળવાય તો આખરે સંબંધની દોર તૂટી જતી હોય છે. જ્યારે સંબંધ નામની ચામાં કડવાશ અનુભવાય ત્યારે એવો સંબંધનો ઘૂંટડો ગળે ઉતરતો નથી. આવો સંબંધ ગળે લટકાવી રાખવાનો કોઈ અર્થ નથી. સંબંધમાંથી ઉષ્મા અને સુષ્મા ચાલી જાય પછી એવા સંબંધનો ભાર ખભે ઊપાડીને ફરવાનો પણ કોઈ અર્થ નથી. કહેવાય છે ને કે ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પહેલા જેવી મીઠાશ ક્યારેય આવતી નથી. એક વાર બનાવેલી અને ગરમાગરમ ચા ઠંડી પડી જાય પછી ચાને ફરીવાર ગરમ કરીને પીવાનો કોઈ અર્થ નથી. સંબંધનું પણ એવું જ છે. એક વાર બે વ્યક્તિ વચ્ચે ખટરાગ પેદા થયો પછી એ ગોબો ભરાતો નથી અને તિરાડ સંધાતી નથી. ગોબો ભરાય તો પણ દેખાય છે અને તિરાડ સંધાય તો પણ તે દેખાય છે. બેઉ વ્યક્તિ સમજે છે કે કશુંક ચલાવી લેવું, એનું નામ પ્રેમ નથી. સ્વયં અને ભીતરથી પ્રગટે તો જ પ્રેમ. તમે જ્યારે કોઈને ચાહો છો, ત્યારે તમે તમારું બધું કામકાજ ભુલી જઈને સૌથી પહેલી અગત્યતા, ટોપ-પ્રાયોરિટીઝ ગમતી વ્યક્તિને આપો છો. સામી વ્યક્તિએ પણ બદલામાં આવું એટેન્શન આપવું જોઈએ. આ કોઈ લેવડદેવડ નથી કે બદલો વાળવો પડે. આમ છતા પ્રેમ માટે સમય આપવો અરસપરસ યા અન્યોન્ય બાબત છે. કેમ કે એક હાથે તાળી ન જ પડે. જ્યારે તમે તમારી લાઈફમાં કંઈક નવું કરવા માગો છો, કંઈક પરિવર્તન કરવા માગો છો, ત્યારે તમારે અવશ્ય તમારી પ્રાયોરિટીઝ બદલવા ઉપર પણ ધ્યાન આપવું પડે. સંબંધ એની સાથે જોડવો જોઈએ કે જેમને તમારા સંબંધનું માન અને ગૌરવ પણ હોય. જે વ્યક્તિ તમારી સાથે જોડાયેલી રહેવા માટે કોઈ પણ પ્રકારના જોખમની પરવા ન કરે અને દરેક જોખમ ઉઠાવીને પણ તમારી સાથે જોડાયેલી રહે. સંબંધ એ આમ તો પરમેનન્ટ જોબ જેવી અવસ્થા અને વ્યવસ્થા છે, જો તમારી પાસે એ માટે પુરતો સમય જ ન હોય તો તમે એ માટે એપ્લાય પણ ન જ કરો એ વધારે બહેતર છે. સંબંધની ગરિમા ચાર પાયા ઉપર ટકે છેઃ (1) પ્રેમ, (2) પ્રામાણિકતા, (3) સત્ય અને (4) આદર. આ ચાર બાબતો સિવાય કોઈ પણ સંબંધ ટકી શકતો નથી. જે તમને બિનશરતીય રીતે ચાહે છે, એમના માટે તમે સમય ફાળવો. જ્યારે સમય-સંજોગ અને પરિસ્થિતિ વગેરે બધું જ સામી વ્યક્તિની અનુકૂળતા મુજબ હોય ત્યારે જ એ વ્યક્તિ જો તમને સાથ આપતી હોય તો એનો અર્થ એવો જ થયો કે એ વ્યક્તિ પોતાની તરફેણની સ્થિતિમાં જ તમારી સાથે જોડાયેલી રહેશે, તમારી પરિસ્થિતિ યા સંજોગ બદલાશે તો એ વ્યક્તિ પણ બદલાઈ જશે. આવી વ્યક્તિની ચાહત પણ તકલાદી હોય. જેટલો પ્રેમ તમે તમારી જાતને કરો છો, એટલો જ પ્રેમ તમે સામી વ્યક્તિને પણ કરો. પ્રેમ પોઝિટીવ-એનર્જીનું પાવર-હાઉસ છે. તમે સૌપ્રથમ તમારી ભીતર પ્રેમ ભરી દો. આ પછી તમે પ્રેમની પરબ માંડો. એકવીસમી સદીમાં કોઈની પાસે પોતાની કે અન્યની ચિંતા-ફિકર કરવાનો સમય નથી. આથી જ પ્રેમનું મહત્વ વિશેષ છે. જ્યારે તમે કોઈને તમારો સમય આપો છો ત્યારે તમે માત્ર સમય જ આપો છો એવું નથી, તમારી જિંદગીમાંથી અમુક હિસ્સો આપી દો છો કે જે પાછો ક્યારેય આવવાનો નથી. જ્યારે તમે કોઈને પ્રેમ અને લાગણી આપો છો, તો તમારા બાસ્કેટમાં પણ પ્રેમ અને લાગણી આપોઆપ જ આવી જાય છે. સાચો પ્રેમ તમને કદાચ ક્યારેક વેદના પણ આપે છે. કેમ કે તમે ફૂલ સામી વ્યક્તિને આપો છો અને કંટકનું દુઃખ પોતાની પાસે રાખી લો છો. આ છે સાચા સંબંધની બારાખડી, કાળજી અને સંભાળ. ચાહતની આ જ તો નિશાની છે કે તમે ગમે તેટલી વેદના સહન કરીને પણ સામી વ્યક્તિને હંમેશા ખુશી આપવાનો જ પ્રયાસ કરો છો. સ્ત્રી હોય કે પુરુષ, એ જ્યારે પ્રેમ કરે છે ત્યારે પોતાનું તન, મન, ધન, માન-સન્માન, અભિમાન અને સ્વાભિમાન સહિત બધું જ પોતાના પ્રિયજન સમક્ષ ન્યોછાવર કરી દે છે. પોતાની જાતને પ્રિયજનમાં ઓગાળી દે છે. વ્યક્તિ ખુદને ભુલીને અને પોતાની આસપાસની દુનિયાને પણ ભુલીને સતત પ્રિયજનના વિચારોમાં જ રમમાણ રહે છે. હવે સમય જતા જો વ્યક્તિને એટલો જ પ્રેમ ન મળે ત્યારે વ્યક્તિ ભીતરથી તૂટી જાય છે. વ્યક્તિને પોતાના પ્રેમનો અનાદર થયો છે, એનો સ્વીકાર કરવો પણ તેના માટે અઘરો બની જાય છે. પ્રેમના હસીન સપનાઓની દુનિયામાંથી વ્યક્તિ વાસ્તવિકતાની ધરતી ઉપર પછડાય છે, તેની પીડા અમાપ અને અપાર હોય છે. તેના જીવનમાં પ્રેમની ગેરહાજરીથી જાણે નિઃશબ્દ આંધી ઊઠે છે. આવી સંવેદનશીલ વ્યક્તિને સાચવવી અને તેના પ્રેમને જાળવવો એ જેવા તેવા માણસનું કામ નથી. જસ્ટ ટ્વીટઃ- “काँप उठती हुँ मैं यह सोच के तन्हाई में, मेरे चेहरे पर तेरा नाम न पढ ले कोई.” - परवीन शाकिर

Tuesday, August 26, 2014

પ્રેમ એટલે જિંદગી - દિનેશ દેસાઈ

પ્રેમ એટલે જિંદગી તારું નામ મારી લીલીકચ્ચ નસોમાં, ઝરણું બનીને વહી રહ્યું છે સતત... એ નદી બનીને પાછું મારા જ સમુદ્રમાં સમાઈ જાય છે નિરંતર. 00000000000000000000000000000000000000000000000000000000000000 મારી આંખે તારા નામનું ઝાકળ, જાણે ફૂલ પર સંબંધની શોકસભા. 00000000000000000000000000000000000000000000000000000000000000 એક તારા નામનો ખાલીપો આકાશ કરતા વધુ વ્યાપક, વધુને વધુ ફેલાયેલો, જેનો કોઈ અંત નથી – ખરેખર અનંત. 00000000000000000000000000000000000000000000000000000000000000 તારું નામ દરિયાની ભરતી સાથે આવી જાય ને ઓટ સાથે ચાલ્યું જાય એવું નથી, એ તો ખુદ દરિયાની જેમ ચિરસ્થાયી છે. 00000000000000000000000000000000000000000000000000000000000000 પ્રતીક્ષા આરામ બનીને ઘેરી વળે છે, પણ તારા નામનો થાક ઉતરતો જ નથી. 00000000000000000000000000000000000000000000000000000000000000 તારું નામ રોજ સૂર્યોદય સાથે મારા આંગણામાં વાવેલા છોડમાં ગુલાબ બનીને મહેંકે છે અને હું સૂર્યાસ્ત સુધીમાં તો કરમાતો જાઉં છું. 00000000000000000000000000000000000000000000000000000000000000 ફૂલોના મુલાયમ કાગળ ઉપર ઝાકળભીની સ્યાહીથી લખ્યું છે તારું નામ, રોજનો છે આ ક્રમ. 00000000000000000000000000000000000000000000000000000000000000 મહેંકાવતું રહે છે, તારું નામ... ફૂલની સુવાસ બનીને અહર્નિશ- ન ઉદય, ન અસ્ત, તારું નામ. 00000000000000000000000000000000000000000000000000000000000000 પ્રકૃતિની વાટે-ઘાટે પડઘાય તારું નામ, પવનની લહેરખી જેમ ઘેરી વળે તારું નામ, નિઃશબ્દ કુંજગલીની એકલતા એટલે તારું નામ, અડાબીડ વનવેલીની સંગત એટલે તારું નામ. 00000000000000000000000000000000000000000000000000000000000000 મન પતંગિયું બનીને ઊડાઊડ કરે, ઘડીક બેસે, ઊડે ને બેસે, પરાગરજનો પ્રેમરસ પામતું રહે, ફૂલ, પ્રત્યેક ફૂલ એટલે તારું નામ. 00000000000000000000000000000000000000000000000000000000000000 સૂરજના પ્રથમ કિરણથી સૂરજના અંતિમ કિરણ સુધી જ નહીં, અહોનિશ પ્રકાશતું રહે છે, તારું નામ મારા રોમ-રોમમાં. આ છે તારા નામનો જાદુ. 00000000000000000000000000000000000000000000000000000000000000 હિમાયલનાં ગિરિશૃંગોની ઘટા – મને ઘેરી વળે થીજવી દેવાના ઈરાદે, ત્યારે સતત હૂંફ આપતું રહે છે, તારું નામ, તારું નામ, તારું નામ. બધો જ થાક ઓગાળી દે તારું નામ. 00000000000000000000000000000000000000000000000000000000000000 પર્વતોની ઊંચાઈ તું, નદીનું કલકલ વહેણ તું, આકાશનું નિરભ્ર મૌન તું, રિક્ત બેઠકની પ્રતીક્ષા તું, મારો ઝુરાપો એટલે તારું નામ. 00000000000000000000000000000000000000000000000000000000000000 તારું નામ એટલે ફૂલોની બારમાસી સંગત, તારું નામ એટલે જાણે સુવાસનું સરનામું. શ્વાસોની આવનજાવન એટલે તારું નામ, અને જનમોના ફેરા એટલે વળી તારું નામ. તારું... તારું... તારું... નામ. 00000000000000000000000000000000000000000000000000000000000000 ફૂલોની નિસબત એટલે તારું નામ, તારું નામ એટલે ગુલાબનું સરનામું. જીવનની મહેંક એટલે તારું નામ, અને પ્રત્યેક પીડાનો ઈલાજ, તારું નામ. તારું નામ એટલે દવા બનીને આવતી દુઆ, અને ઉપચારનો ગેબી પ્રકાર, તારું નામ. 00000000000000000000000000000000000000000000000000000000000000 જિંદગીના દરિયાની ભરતી અને ઓટ પણ ન ભૂંસી શકે, તારું નામ, તારું નામ, તારું નામ. 000000000000000000000000000000000000000000000000000000000000

Sunday, October 30, 2011

ગઝલ - - દિનેશ દેસાઈ

ગઝલ
"ઊડવું, ફંગોળવું, બળવું, ઠરી જાવું,
આદમીના હાથમાં ક્યાં છે મરી જાવું? 0

શોક, ભય, ઈચ્છા, અભીપ્સા, વાસના હર પળ,
તે છતા ક્યાં પાલવે એથી ડરી જાવું? 0

નાવ, નાવિક ને હલેસાં, કેટલાં વાનાં?,
છે કઠિન આ ઝાંઝવાનાં જળ તરી જાવું. 0

પારખે ના જે સમયને, ઠોકરો ખાતું,
તાજગી એમાં જ કે ખીલવું-ખરી જાવું. 0

આભ સૌનું પણ અલગ સૌની ક્ષિતિજ એથી,
હોય જે માંડ્યું નસીબે તે ભરી જાવું. 0

બાંધતાં કાંડે છતા બાંધી શક્યું ના કોઈ,
છે સમયનું કામ તો સર્ સર્ સરી જાવું. 0

પાર ગોરંભો કરી ટહુકો જતો એળે,
તો ઉનાળુ સાંજ થઈ અઢળક ઝરી જાવું. 0"
- દિનેશ દેસાઈ.
(ગુજરાત દીપોત્સવી)

Thursday, August 18, 2011

એક ગઝલ.............
"એક સાંજે આંખ ફરકી હતી,
ત્યારથી એ સાવ ગળતી હતી.
મોગરાની જેમ મ્હેકી ઊઠી,
છોકરી જાણે ઊઘડતી હતી.
ઝાંઝવાની વાતમાં દમ હશે,
જાતની તો એય હરણી હતી.
રાત આખી રાહ જોતી રહી,
કે ઉદાસી આમ વસમી હતી.
રેશમી સંગાથ પાછો મળે,
કામના એ રોજ કરતી હતી."
-દિનેશ દેસાઈ
("પ્રેમઝરૂખો" સંગ્રહમાંથી)