Monday, April 12, 2010

સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો ધબકાર કાનજી ભૂટા બારોટ - દિનેશ દેસાઈ



સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો ધબકાર કાનજી ભૂટા બારોટ - દિનેશ દેસાઈ

‘‘કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કે’શું,
એટલું કે’તાં નહીં માનો તો ગોકૂળ છોડી દેશું.’’
આ કવિતનો ભાવ સખ્યભાવ છે. એમાં સામીપ્યનો સહવાસ છે. ભગવાન શ્રીકૃષ્ણને ‘કાનજી’ તો મા જશોદા કહેશે, પરંતુ ગોપગોવાળો તો એને ‘કાનુડો’ જ કહેવાના. આ અને આવાં તો સંખ્યાબંધ કવિત, લોકગીતો,કાવ્યો, દૂહાછંદ અને લોકવાર્તાઓ જેમના હોઠે અને હૈયે રમતી એવા શબ્દોના સ્વામી અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો ધબકાર એટલે કાનજી ભૂટા બારોટ.
કાનજી બાપુ એટલે સફેદ બાસ્તાં જેવાં વસ્ત્રો. માથે ફેંટો, ખભે ખેસ, અંગરખુ અને સૂરવાળ. ગળામાં માળા ને ત્વચા ફૂલગુલાબી. ડાલમથ્થું મુખમંડળ ને તેજસ્વી આંખો. અષાઢીલા મેઘ જેવો બુલંદ સ્વર અને અસામાન્ય નાદવૈભવ. અદ્વિતિય આરોહઅવરોહથી શબ્દોને અને કંઠને બેઉને જાણે રમાડી જાણે. એમના બુલંદ સ્વરને સથવારો હોય તો માત્ર એકતારી સિતારનો. ગામઠી સિતારના તાર ઉપર એમના ટેરવાંનખલી ફરે અને સિતાર ‘રણઝણ...રણઝણ...રણઝણ...’ કરવા માંડે ત્યારે આપોઆપ માહોલ બંધાઈ જતો. તેઓ લોકવાર્તા કહેવામાં એવા તો લીન બની ગયા હોય કે પછી એમને આસપાસનું ભાન પણ ન હોય. જાણે સમાધિમાં બેઠેલા જુનાગઢના જોગી.
લોકસાહિત્યનું દસ્તાવેજીકરણ કરીને એ વિસરાય એ પહેલાં લોકો સુધી પહોંચાડવામાં જેમ ઝવેરચંદ મેઘાણીની જોડ જડે એમ નથી. એવી જ રીતે લોકસાહિત્યને ‘ડાયરો’ના માધ્યમથી દેશદેશાવરમાં ગૂંજતું કરવામાં કાનજી ભૂટા બારોટનું પ્રદાન અવિસ્મરણીય છે. કાનજી બાપુની દેશી સિતાર સાથેની કહેણી અને લોકવાર્તાને દૂહાછંદ સાથે રજૂ કરવાની અદાછટાનો જોટો મળવો દુર્લભ છે. એમની આ કલાગત ઊંચાઈને આજ પર્યંત કોઈ આંબી શક્યું નથી.
હમણાં ‘શ્રી કાનજી ભૂટા બારોટ લોકકલા ફાઉન્ડેશન’ સંસ્થાના નેજા હેઠળ આ અમર કલાકારની સ્મૃતિમાં તા.૭ માર્ચ, ૨૦૧૦ના રવિવારે રાજકોટના હેમુ ગઢવી નાટ્યગૃહમાં એક સંગીતમય કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કાનજી બાપુની જાણીતી લોકવાર્તા ‘જીથરો ભાભો’નું મંચન કલાકાર ભરત યાજ્ઞિકે રજૂ કર્યું. આ પ્રસંગે કાનજી બાપુની વાર્તાકળા અને બારોટ પરંપરાના સંશોધક ડો.કૌશિકરાય પંડ્યા સંપાદિત ‘કાનજીભાઈની વાતુ અને સંભારણાં’ પુસ્તકનું વિમોચન જાણીતા રામકથાકાર મોરારિ બાપુના હસ્તે કરવામાં આવ્યું.
ખુદ કાનજી બાપુ જ્યારે ‘જીથરો ભાભો’ની વાત માંડતા હોય ત્યારે ‘હફ કરું ને ડફ મરે...’ એમ માત્ર ૯ અક્ષર જ બોલે ત્યાં તો શ્રોતાજનોને જાણે ‘જીથરો ભાભો’ પ્રગટ થયા હોય એવું લાગે. શ્રોતાજનો સમક્ષ શબ્દચિત્ર પ્રસ્તુત કરવાની એમની અદ્ભૂત ફાવટ હતી. વાર્તાની સાથેસાથે દૂહા, છંદ, ગીતો, ભજનોની તેઓ રમઝટ બોલાવતા હોય એ માહોલની વાત જ નિરાળી હતી.
ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને કાનજી બાપુના દીકરા મનુભાઈ બારોટ પિતા સાથેનો એક યાદગાર પ્રસંગ વર્ણવતા કહે છે કે ‘મારા બાપુ સાથેની ઘણી બધી વાતો વિસરાય નહીં એવી છે. પંરતુ એમાં એક વેળાએ તેઓએ મને શીખ આપતા કહેલું કે ‘આપણાં યજમાન એ તો આપણાં રોટલાં છે. યજમાન પહેલાં, બીજું બધું પછી.’ વાત એમ બની હતી કે ૧૯૭૦ના અરસમાં બાપુ રતુભાઈ અદાણીના આમંત્રણને માન આપીને દિલ્હી કાર્યક્રમ આપવા ગયા હતા. તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી સમક્ષ બાપુ સાથે જયમલ્લ પરમાર, દિવાળીબેન ભીલ, પિંગળશીભાઈ ગઢવી અને બીજાં કલાકારોએ કાર્યક્રમ આપ્યો હતો. આ પછી તો રાષ્ટ્રપતિભવનમાંથી પણ રતુભાઈ ઉપર કહેણ આવ્યું કે સૌરાષ્ટ્રના કલાકારોને અહીં પણ બોલાવો. હવે બાપુએ પોરબંદર નજીકના રાણાવાવ ગામે રહેતા અમારા વહીવંચા બારોટ પરિવારના યજમાન બરડાના સિસોદિયા મેરસમાજના ગૃહસ્થની દીકરીના લગ્નમાં હાજરી આપવાનું અગાઉથી વચન આપી દીધું હતું. એક તરફ સામાન્ય સ્થિતિના ગૃહસ્થને આપેલું વચન પાળવાની ઉત્કટતા અને બીજી તરફ રાષ્ટ્રપતિભવનમાં કાર્યક્રમ આપવાનું કહેણ. આ બેમાંથી બાપુએ યજમાનને આપેલા વચનને પાળવાનું પસંદ કર્યું. એ વખતે મેં આમ કરવાનું કારણ પૂછતાં બાપુએ કહ્યું હતું કે ‘યજમાન એ જ આપણા માટે રાષ્ટ્રપતિ. એ જ આપણો રોટલો છે.’



કાનજી બાપુનો જન્મ ૧૯૧૯માં આસો સુદ એકમના દિવસે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ટિંબલા ગામે વહીવંચા બારોટ જ્ઞાતિના પરિવારમાં થયો. માનું નામ અમરબાઈ અને પિતાનું નામ ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ. ભૂટાભાઈ ખુદ એક ઉત્તમ વાર્તાકાર અને હાસ્ય, અદ્ભૂત તથા વીરરસના સર્જક. કાનજીબાપુને આમ લોકસાહિત્ય અને લોકવાર્તાઓનો કસબ જાણે વારસામાં જ મળ્યો. જો કે પિતાનું તો પોતાની બાળ વયે જ અવસાન થયું. પરંતુ તેમના વાર્તાગુરુ દાદાના મોટા ભાઈ સૂરાભાઈ બારોટ. મેઘાણીને સોરઠી સંતોની વાર્તાઓ કહેનાર સૂરાભાઈ પોતે પણ એ સમયના જાણીતા વાર્તાકથક. કાર્યક્રમોમાં કાનજી બાપુની વિશિષ્ટતા એ રહેતી કે તેઓ એક વાત રજૂ કરતી વેળા બીજી વાતો કરીકરીને ફરી મૂળ વાર્તા ઉપર આવે એમ છતાં ભાવકને ક્યાંય રસક્ષતિ થયાનું અનુભવાય નહીં. ડાયરામાં બેઠેલા ભાવકો કલાકોના કલાકો સુધી એમને બસ સાંભળ્યા જ કરે.
જૂની વાર્તાકહેણીની પંરપરા અનુસાર યજમાનની ડેલીએ કે પછી ચોરા ઉપર બેસીને અને ડાયરાઓમાં લોકવાર્તાકથનની પરંપરા તેઓએ છેવટ સુધી જાળવી. કવિત અને કથકની જેમ વાર્તા કહેવાની એટલું જ નહીં તેઓ વાર્તાલેખન પણ કરતા. તેમની ૧૦૦ જેટલી વાર્તાઓ તો એ સમયના પ્રતિષ્ઠિત સાહિત્યસામયિક ‘ઊર્મિનવરચના’માં પ્રગટ થયેલી છે. આ ઉપરાંત પણ એમના સમયના સામયિકોમાં વાર્તાપ્રકાશન થયું. વાર્તા, લોકવાર્તા, પ્રસંગો, પ્રવાસ દરમિયાનનાં ટાંચણો અને સ્વરચિત કાવ્યોના મળીને એમના ૪ પુસ્તક પ્રગટ થયા છે.
બાપુએ આકાશવાણી અને દૂરદર્શનના રાજકોટ, ભૂજ, અમદાવાદ અને મુંબઈ વગેરે કેન્દ્રો ઉપર પણ કાર્યક્રમો આપ્યાં છે, જે દ્રશ્યશ્રાવ્યરૂપે સચવાયેલાં છે. કવિવર ઉમાશંકર જોશીએ જુનાગઢમાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં કાનજી બાપુને સાંભળ્યા પછી તેઓને લોકસાહિત્ય અને શિષ્ટસાહિત્યને જોડતી કડી તરીકે ગણાવ્યા. આ સંદર્ભમાં રામકથાકાર મોરારિ બાપુએ કાનજી બાપુને ‘વડલા’ની ઉપમા આપી છે.
કેન્દ્ર સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી તરફથી ૧૯૮૮નો લોકકલા ક્ષેત્રનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ આર.વેંકટરામનના હસ્તે એનાયત કરવામાં આવ્યો. આ વખતે કાનજી બાપુએ કહેલું કે ‘અત્યારની બદલાયેલી પરિસ્થિતિમાં ડેલીઓ, ચોરાચોક, રાજદરબાર કે પ્રતિષ્ઠિત ગૃહસ્થોનાં ઘર, જ્યાં લોકવાર્તા રસવંતી શૈલીમાં પાયાનું સમાજશિક્ષણનું કાર્ય કરતી ત્યાં આજે સસ્તી મનોરંજન પ્રવૃત્તિ જામી પડી છે. આથી લોકવાર્તાની જ્યોત ઝાંખી પડી ગઈ છે. એટલે હવે નવાં ક્ષેત્રો સરકાર અને પ્રજા ઉભાં કરે તો જ એ કલા કદાચ જીવતી રહે.’ તા.૨૮૯૧૯૯૦ના રોજ ૭૧ વર્ષની વયે હૃદયરોગના કારણે તેઓનું નિધન થયું. આ જાણીને તેમનો બહોળો ચાહકસમુદાય પણ ત્યારે હૃદયનો એક ધબકાર ચૂકી ગયો હશે. છેલ્લે કાનજી બાપુની એક કાવ્યરચના માણીએઃ
‘તૂટ્યા તંબુર તાર, ભણકારા ભવભવ રહ્યા,
સજણ તમારી ખાક પર, ઝાઝા હજો જુહાર.’



No comments:

Post a Comment