રશિયન સાહિત્યકાર ફ્યોદોર દોસ્તોવ્યેસ્કી (1821-1881)એ લખ્યું છે કે “જીવનમાં તમે જે કંઈ કરો છો, એ તમારી ખુશી માટે કરો છો. તમારી ખુશીથી વિશેષ કશું જ ન હોઈ શકે. જ્યારે તમને કોઈ એક્શન કરવા ખાતર કરતા હોવાનું લાગે તો તમારે એમ ન જ કરવું વધુ બહેતર છે.”
પ્રેમ એટલે જ ખુશી. પ્રેમ એટલે જ હેપ્પીનેસ. પ્રેમ એટલે જ હંમેશા પોઝિટીવ વેવ્સ્. જો તમારી જિંદગીમાં તમે પ્રેમની અનુભૂતિ કરી હોય તો તમને હંમેશા પોઝિટીવનેસ યાને પોઝિટીવ એનર્જી જ મળી હોવી જોઈએ. જો એમ ન બન્યું હોય અને તમને નકારાત્મકતાનો અનુભવ થયો હોય તો માની લેવું કે એ બીજું કશુંક હોઈ શકે, પરંતુ પ્રેમ તો નહોતો જ. પ્રેમમાં કોઈ પણ જાતની નેગેટીવિટીને સ્થાન જ ન હોઈ શકે.
દોસ્તોવ્યેસ્કી કહે છે એમ, તમે કોઈને ચાહો છો, તો એ કોઈ ફોર્મલ-જોબ કે કરવા ખાતર કરવાનું કામ નથી. તમારું દિલ શું કહે છે, એ પણ એટલું જ જરુરી બને છે. દિલની વાતને અનુસરો. પ્રેમ એ કોઈ પાર્ટ-ટાઈમ જોબ કે પાર્ટ-ટાઈમ બિઝનેસ નથી. કોઈ વ્યક્તિ તમને ગમી જાય, તેનું સ્મિત તમને આનંદ, ખુશી આપી જાય તો સમજવું કે તમને એ વ્યક્તિ ગમે છે. એવી વ્યક્તિની કંપની તમને પોઝિટીવ એનર્જી આપે છે.
ઘણી વાર તમે અનુભવ્યું હોય કે અમુક વ્યક્તિની હાજરીથી તમને કંટાળો આવે, તનાવ અનુભવાય, કોઈકની કંપની બોરિંગ લાગ્યા કરે, તો એવી વ્યક્તિ અવશ્ય તમારા માટે નેગેટિવ-વેવ્સ્ આપનારી ગણાય. બની શકે તો એવી નેગેટિવ-વેવ્સ્ આપનારી વ્યક્તિથી યોગ્ય અંતર રાખવું જોઈએ. કારણ કે તમે ખુશીને પસંદ કરો છો, દુઃખને નહીં. તમારે તમારી ખુશી અને હેપ્પીનેસ માટેની પ્રાયોરિટી પણ સમજવી જોઈએ.
જ્યારે કોઈ પણ સંબંધની દોરનું બેઉ પક્ષે સમતુલન ન જળવાય તો આખરે સંબંધની દોર તૂટી જતી હોય છે. જ્યારે સંબંધ નામની ચામાં કડવાશ અનુભવાય ત્યારે એવો સંબંધનો ઘૂંટડો ગળે ઉતરતો નથી. આવો સંબંધ ગળે લટકાવી રાખવાનો કોઈ અર્થ નથી. સંબંધમાંથી ઉષ્મા અને સુષ્મા ચાલી જાય પછી એવા સંબંધનો ભાર ખભે ઊપાડીને ફરવાનો પણ કોઈ અર્થ નથી.
કહેવાય છે ને કે ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પહેલા જેવી મીઠાશ ક્યારેય આવતી નથી. એક વાર બનાવેલી અને ગરમાગરમ ચા ઠંડી પડી જાય પછી ચાને ફરીવાર ગરમ કરીને પીવાનો કોઈ અર્થ નથી. સંબંધનું પણ એવું જ છે. એક વાર બે વ્યક્તિ વચ્ચે ખટરાગ પેદા થયો પછી એ ગોબો ભરાતો નથી અને તિરાડ સંધાતી નથી. ગોબો ભરાય તો પણ દેખાય છે અને તિરાડ સંધાય તો પણ તે દેખાય છે. બેઉ વ્યક્તિ સમજે છે કે કશુંક ચલાવી લેવું, એનું નામ પ્રેમ નથી. સ્વયં અને ભીતરથી પ્રગટે તો જ પ્રેમ.
તમે જ્યારે કોઈને ચાહો છો, ત્યારે તમે તમારું બધું કામકાજ ભુલી જઈને સૌથી પહેલી અગત્યતા, ટોપ-પ્રાયોરિટીઝ ગમતી વ્યક્તિને આપો છો. સામી વ્યક્તિએ પણ બદલામાં આવું એટેન્શન આપવું જોઈએ. આ કોઈ લેવડદેવડ નથી કે બદલો વાળવો પડે. આમ છતા પ્રેમ માટે સમય આપવો અરસપરસ યા અન્યોન્ય બાબત છે. કેમ કે એક હાથે તાળી ન જ પડે. જ્યારે તમે તમારી લાઈફમાં કંઈક નવું કરવા માગો છો, કંઈક પરિવર્તન કરવા માગો છો, ત્યારે તમારે અવશ્ય તમારી પ્રાયોરિટીઝ બદલવા ઉપર પણ ધ્યાન આપવું પડે.
સંબંધ એની સાથે જોડવો જોઈએ કે જેમને તમારા સંબંધનું માન અને ગૌરવ પણ હોય. જે વ્યક્તિ તમારી સાથે જોડાયેલી રહેવા માટે કોઈ પણ પ્રકારના જોખમની પરવા ન કરે અને દરેક જોખમ ઉઠાવીને પણ તમારી સાથે જોડાયેલી રહે. સંબંધ એ આમ તો પરમેનન્ટ જોબ જેવી અવસ્થા અને વ્યવસ્થા છે, જો તમારી પાસે એ માટે પુરતો સમય જ ન હોય તો તમે એ માટે એપ્લાય પણ ન જ કરો એ વધારે બહેતર છે. સંબંધની ગરિમા ચાર પાયા ઉપર ટકે છેઃ (1) પ્રેમ, (2) પ્રામાણિકતા, (3) સત્ય અને (4) આદર. આ ચાર બાબતો સિવાય કોઈ પણ સંબંધ ટકી શકતો નથી.
જે તમને બિનશરતીય રીતે ચાહે છે, એમના માટે તમે સમય ફાળવો. જ્યારે સમય-સંજોગ અને પરિસ્થિતિ વગેરે બધું જ સામી વ્યક્તિની અનુકૂળતા મુજબ હોય ત્યારે જ એ વ્યક્તિ જો તમને સાથ આપતી હોય તો એનો અર્થ એવો જ થયો કે એ વ્યક્તિ પોતાની તરફેણની સ્થિતિમાં જ તમારી સાથે જોડાયેલી રહેશે, તમારી પરિસ્થિતિ યા સંજોગ બદલાશે તો એ વ્યક્તિ પણ બદલાઈ જશે. આવી વ્યક્તિની ચાહત પણ તકલાદી હોય.
જેટલો પ્રેમ તમે તમારી જાતને કરો છો, એટલો જ પ્રેમ તમે સામી વ્યક્તિને પણ કરો. પ્રેમ પોઝિટીવ-એનર્જીનું પાવર-હાઉસ છે. તમે સૌપ્રથમ તમારી ભીતર પ્રેમ ભરી દો. આ પછી તમે પ્રેમની પરબ માંડો. એકવીસમી સદીમાં કોઈની પાસે પોતાની કે અન્યની ચિંતા-ફિકર કરવાનો સમય નથી. આથી જ પ્રેમનું મહત્વ વિશેષ છે. જ્યારે તમે કોઈને તમારો સમય આપો છો ત્યારે તમે માત્ર સમય જ આપો છો એવું નથી, તમારી જિંદગીમાંથી અમુક હિસ્સો આપી દો છો કે જે પાછો ક્યારેય આવવાનો નથી.
જ્યારે તમે કોઈને પ્રેમ અને લાગણી આપો છો, તો તમારા બાસ્કેટમાં પણ પ્રેમ અને લાગણી આપોઆપ જ આવી જાય છે. સાચો પ્રેમ તમને કદાચ ક્યારેક વેદના પણ આપે છે. કેમ કે તમે ફૂલ સામી વ્યક્તિને આપો છો અને કંટકનું દુઃખ પોતાની પાસે રાખી લો છો. આ છે સાચા સંબંધની બારાખડી, કાળજી અને સંભાળ. ચાહતની આ જ તો નિશાની છે કે તમે ગમે તેટલી વેદના સહન કરીને પણ સામી વ્યક્તિને હંમેશા ખુશી આપવાનો જ પ્રયાસ કરો છો.
સ્ત્રી હોય કે પુરુષ, એ જ્યારે પ્રેમ કરે છે ત્યારે પોતાનું તન, મન, ધન, માન-સન્માન, અભિમાન અને સ્વાભિમાન સહિત બધું જ પોતાના પ્રિયજન સમક્ષ ન્યોછાવર કરી દે છે. પોતાની જાતને પ્રિયજનમાં ઓગાળી દે છે. વ્યક્તિ ખુદને ભુલીને અને પોતાની આસપાસની દુનિયાને પણ ભુલીને સતત પ્રિયજનના વિચારોમાં જ રમમાણ રહે છે. હવે સમય જતા જો વ્યક્તિને એટલો જ પ્રેમ ન મળે ત્યારે વ્યક્તિ ભીતરથી તૂટી જાય છે.
વ્યક્તિને પોતાના પ્રેમનો અનાદર થયો છે, એનો સ્વીકાર કરવો પણ તેના માટે અઘરો બની જાય છે. પ્રેમના હસીન સપનાઓની દુનિયામાંથી વ્યક્તિ વાસ્તવિકતાની ધરતી ઉપર પછડાય છે, તેની પીડા અમાપ અને અપાર હોય છે. તેના જીવનમાં પ્રેમની ગેરહાજરીથી જાણે નિઃશબ્દ આંધી ઊઠે છે. આવી સંવેદનશીલ વ્યક્તિને સાચવવી અને તેના પ્રેમને જાળવવો એ જેવા તેવા માણસનું કામ નથી.
જસ્ટ ટ્વીટઃ-
“काँप उठती हुँ मैं यह सोच के तन्हाई में,
मेरे चेहरे पर तेरा नाम न पढ ले कोई.”
- परवीन शाकिर
જાણીતા સાહિત્યકાર દિનેશ દેસાઈએ લખેલાં સાહિત્યવિષયક લેખો, નિબંધો, કાવ્યો અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. ગુજરાતી અને હિન્દી ભાષામાં તેઓના પ્રથમ ગઝલસંગ્રહ ૧૯૮૮માં પ્રગટ થયા હતા. કવિતા, વાર્તા, લલિત નિબંધ, લઘુનવલ, નવલકથા, વિવેચન, ગ્રાહક સુરક્ષા, પર્યાવરણ, કાયદો તથા કારકિર્દી માર્ગદર્શન વિષયક મળીને અત્યાર સુધીમાં તેઓના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં મળીને 50 પુસ્તકો પ્રગટ થઈ ચુક્યાં છે. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેઓ છેક ૧૯૮૯થી પ્રવૃત્ત છે.