Monday, June 18, 2018

મેરેજ ફિયેસ્તા - દિનેશ દેસાઈ





નવલિકા- મેરેજ ફિયેસ્તા - દિનેશ દેસાઈ

ખુશીનું મન આજે ખુશીથી ઉછાળા મારી રહ્યું હતું. એને લાગતું હતું કે પોતે આજે બહુ મોટો હાથ માર્યો છે. ભાઈ મેરેજ કરીને અમેરિકા સેટ થઈ ગયો હતો ત્યારથી મા-બાપને બસ એક ખુશીના મેરેજની જ ફિકર સતાવી રહી હતી.
મા-બાપ હંમેશા કહેતા રહેતા કે ખુશી જલદી પરણીને ઠેકાણે પડે તો સારું. ક્યાં સુધી છોકરીને ખીલે બાંધી રાખવી? મા-બાપ તો જે સગાંને વહાલાં મળે તેમને કહેતા રહેતા હતા કે “ભાઈ સા’બ, અમારી ખુશી માટે કોઈ સારું ઠેકાણું હોય તો બતાવજો ને.”
જૈસે કો તૈસા. આ તરફ મોહિત પણ એવું જ માની રહ્યો હતો કે એણે પણ મોટો હાથ માર્યો છે અને બિગ ફિશ પોતાની જાળમાં ફસાવી છે. કેમ કે ખુશી એકની એક દીકરી અને મા-બાપની બધી મિલકતમાં તેનો હિસ્સો.
ખુશીના પરિવારને કોઈકે વળી મોહિતનું ઘર બતાવ્યું હતું અને રેફરન્સ પણ આપ્યો હતો. ખુશીનાં મા-બાપે દીકરી માટે વાત ચલાવી હતી અને મોહિત તથા તેના મા-બાપ છોકરી જોવા આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે મોહિત તેમના મા-બાપને એકનો એક દીકરો છે અને શહેરના પોશ એરિયામાં તેમની માલિકીનો સરસ મજાનો ફ્લેટ પણ છે. ઘરમાં નોકર-ચાકર છે. ગાડી છે અને ડ્રાઈવર પણ છે. મોહિત તેના પપ્પાનો બિઝનેસ સંભાળે છે. બસ, આથી વધુ શું જોઈએ?
ખુશીનું ઘર અને કન્યા જોયા પછી મોહિતના મા-બાપે પણ વરનું ઘર જોવા આવવા નિમંત્રણ આપ્યું હતું. ખુશીના પરિવારજનો પણ આમંત્રણને માન આપીને વર અને ઘર જોવા નિમિત્તે તેમના ઘરે આંટો મારી આવ્યા હતા. મુરતિયાને કન્યા ગમી ગઈ હતી અને કન્યાને મુરતિયો પણ. બસ, બેઉ પરિવાર થોડા રુઢિચુસ્ત ખરા. આથી હોરોસ્કોપ મેચ કરાવવા ઉપર વાત અટકી હતી.
ખુશીએ તો ઠાકોરજીને પ્રાર્થના પણ કરી હતી કે બસ, જન્માક્ષર મળી જાય તો સારું. એટલામાં તો વળી મોહિતનો વોટ્સ-એપ મેસેજ આવ્યો હતો “તારી સાથે મેરેજ કરવા માટે મારી હા છે. બસ, મોમ-ડેડી પણ માની જાય એટલી જ વાર છે અને હોરોસ્કોપ મેચ થઈ ગયા એવો રિપોર્ટ પણ આવી ગયો છે.”
મોબાઈલ સ્ક્રિન ઉપર આટલો મેસેજ વાંચીને ખુશીએ સ્માર્ટ ફોન પર્સમાં મૂક્યો. મેસેજ વાંચીને ખુશીની ખુશી તેના ચહેરા ઉપર ઝલકતી જોવા મળતી હતી.
મોહિતના મા-બાપે વૈષ્ણવ પરિવારના રીત-રિવાજ અનુસાર લગ્ન નિમિત્તે સામાજિક વ્યવહાર કરવો પડશે એમ કહ્યું હતું. બીજી તરફ ખુશીના મા-બાપ એમ કહી રહ્યા હતા કે “અમે તો અમારી શક્તિ અનુસાર કન્યાદાન વગેરે કરીશું. બાકી તો અમે કંકુ ને કન્યા જ આપવામાં માનીએ છીએ. અમારા પરિવારમાં પણ દહેજને કોઈ સ્થાન નથી.”
ખુશીને અને સામે પક્ષે મોહિતને પણ દહેશત હતી તો એક જ કે મોહિતના મા-બાપ કોઈ જીદ ન કરે અને માની જાય તો સમુસુતરું બધું પાર પડે. મોહિતે તેના મા-બાપને સમજાવ્યું હતું કે “તમે કન્યાદાન અને વ્યવહાર કે દાયજો વગેરે જેવી લેવડદેવડનો ફોર્સ કેમ કરો છો? ખુશીનો ભાઈ તો અમેરિકા રહે છે. એ કદી પાછો ઈન્ડિયા સેટલ થવા આવવાનો નથી. ખુશીના મા-બાપનું જે કંઈ પણ છે, માલ-મિલકત કે દાગીના-જ્વેલરી વગેરે બધું જ ખુશીનું જ તો છે.”
બીજી તરફ મોહિતના મા-બાપના અક્કડ અને વ્યવહાર અંગેના વલણને કારણે ખુશીના મા-બાપ પણ થોડા કન્ફ્યુસ હતા. તેમને તો એમ હતું કે મુરતિયો તેનાં મા-બાપનું એકનું એક સંતાન હોવાથી ઉલટાનો એ લોકો કન્યા પક્ષ માટે મોટો અને સારો વ્યવહાર કરશે, પરંતુ એ લોકો તો ભુખડી બારસ જેવા લાગે છે.
ફ્લેટ, બિઝનેસ, નોકર-ચાકર એવું બધું તો ઠીક, પરંતુ બધો ચળકાટ સોનાનો હશે કે નકલી હશે એવી શંકા પણ ખુશીના મા-બાપને ઘડીભર થઈ આવી હતી. આથી ખુશીએ પણ પોતાના મા-બાપને સમજાવવા પડ્યા હતા કે “મોમ-ડેડ, તમે પણ થોડું લેટ-ગો કરો ને... તમારા કહેવા પ્રમાણે તો મેં હજુ મારી ચોઈસના છોકરા જોડે મેરેજ કરવાના બદલે તમારી મરજી પ્રમાણે સોશિયલી રહેવા એરેન્જ મેરેજની ચોઈસ રાખી છે. તો પણ તમે સમજતા નથી.”
જ્યારે પહેલી વાર મોહિત તેના પરિવાર સાથે ખુશીના ઘરે કન્યાની પસંદગી માટે આવ્યો હતો ત્યારે વડીલોએ જ મુરતિયો અને કન્યાને કોઈ અંગત વાતચીત કરવી હોય તો એકાન્તમાં થોડી મિનિટ બેસવા કહ્યું હતું.



મોહિતને તેના મા-બાપ વારંવાર કહેતા કે “જો બેટા, થોડું તો લેટ-ગો કરવું જ પડશે. તને તારી ચોઈસ પ્રમાણે પરફેક્ટ વાઈફ મળશે એવા ફાલતું સપનામાં રહેતો હોય તો આંખો ખોલી કાઢજે.”
ખુશીના ઘરે પહેલી વાર મળ્યા ત્યારે થોડી મિનિટોની વાતચીતમાં મોહિતે પુછ્યું હતું કે “તમને હું ગમું તો છું ને? કે કોઈ ફોર્સ જેવું નથી ને?”
ખુશીએ કહ્યું હતું કે “યા, આઈ લાઈક યુ. નથિંગ ટુ બી ફોર્સ બોથ સાઈડ. એની વે, તમારે શાનો બિઝનેસ છે?”
મોહિતે કહ્યું હતું કે “અમારે કોટન મરચન્ટ તરીકે કારોબાર છે.”
“તમારે કોઈ બોયફ્રેન્ડ ખરા કે અફેર હતું... એવું કંઈક..?” મોહિતે ખુશીને પુછ્યું હતું.
ખુશીએ તો બિન્દાસ્ત થઈને કહ્યું હતું કે “યસ, બટ શો વોટ? એમાં શું? એ તો ચાલ્યા કરે. અનમેરિડ બ્યુટીફુલ ગર્લને અફેર ન હોય તો સરપ્રાઈઝ કહેવાય. ખરેખર તો તમારે એવું પુછવું જોઈએ કે મારે બ્રેક-અપ કેટલી વાર થયા?” આટલું બોલીને તો ખુશી હસી પડી હતી.
મોહિત બિચારો તો આ સાંભળીને હજુ એવો તો હક્કો-બક્કો બની ગયો હતો કે એનો તો બેભાન થવાની જ વાર હતી.
ખુશી ખીલી ઊઠી હતી. તે બોલી કે “અરે, ઓ ખ્વાબોં કે શહેજાદે... બેભાન થઈ ગયો કે શું? પાણી-બાણી છાંટવું પડશે કે શું? એની વે... મારે તો એક જ વાર બ્રેક-અપ થયું છે અને હું તો રહી બોલ્ડ એન્ડ બ્યુટીફુલ, એટલે પછી લવ-બવના ચક્કરમાં પડવાનું છોડી દીધું. હા, મારે બોયફ્રેન્ડઝ તો ખરા. જુઓ ને, ઓફિસમાં સાથે જોબ કરીએ એટલે વર્ક-પ્લેસ ઉપર મારા બે ખાસ દોસ્ત છે. મારો એક ક્લોઝ ફ્રેન્ડ મારી સ્કૂલ લાઈફનો છે અને એક બોય ફ્રેન્ડ મારે કોલેજ ટાઈમનો છે. આમ જુઓ તો ચાર બોયફ્રેન્ડ પરંતુ બીજા પણ ફ્રેન્ડઝ ખરા. બસ, વીક-એન્ડમાં કોઈ કોઈને મળું પણ ખરી એન્ડ હેંગ આઉટ એન્ડ લોંગ ડ્રાઈવ એન્ડ મોર એન્ડ મોર... બટ, હાઉ એબાઉટ યુ...? તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? હોય તો પહેલા જ કહી દેવાનું. મને કોઈ ખિચ-ખિચ કરે એ ના ગમે.”
મોહિતને માંડ હોશ આવ્યા હોય અથવા તે હોશ સંભાળતો હોય એમ બોલ્યો કે “નો, નો. આઈ હેવ નો પ્રોબ્લેમ. પણ આફટર મેરેજ તો તું આવું બધું વાઈન્ડ-અપ કરી લઈશ ને? મારે પણ એક વાર બ્રેક-અપ થયું હતું. યંગ-એજમાં તો એવું બધું ચાલ્યા કરે. બટ ઈટ્સ ઓલ ફેર ઈન સચ લિમિટ્સ...”
ખુશીએ મોહિતનો પાવલો પતંગ લપેટાયેલો જોઈને ઝોલ નાખ્યો તો ખરો, પણ “અખિંયો સે ગોલી મારે...”ના પેચ લડાવવા માટે ઢીલ મૂકવાના બદલે ખેંચવા ટ્રાય કર્યો. તે બોલી કે “જુઓ, આપણા મેરેજ થાય તો પણ એ એરેન્જ મેરેજ થવા જઈ રહ્યા છે. હું એવું માનું છું કે મેરેજ થાય એટલે આપણે હસબન્ડ-વાઈફ બનીશું, પરંતુ એકબીજાના માલિક બનવાની વાત આમાં ક્યાંય આવતી નથી. મેરેજ ઈઝ નોટ સચ એઝ ઓનરશીપ બિઝનેસ. એન્ડ યસ... આફટર મેરેજ હું કોઈ લવ-અફેર કરવાની નથી, ઈટ્સ માય પ્રોમિસ, બટ હું મારા ફ્રેન્ડઝ સાથે તો કોન્ટેક્ટ રાખીશ જ. જો તને મારા ફ્રેન્ડઝ સામે પ્રોબ્લેમ હોય તો પ્લિઝ, અત્યારે જ ક્લીયર કરી દેવું સારું. મને પાછળથી કોઈ ઝિક-ઝિક કરે એવું બધું નથી ગમતું. આઈ મીન, હું મેરેજ પછી પણ મારા ફ્રેન્ડઝ તારા કહેવા પ્રમાણે વાઈન્ડ-અપ કરી લેવાની નથી.”



ખુશીએ પુછ્યું કે “ઈફ યુ ડોન્ટ માઈન્ડ, પણ મને એક સવાલ થાય છે કે તારે કેમ બ્રેક-અપ થયું હતું...?”
મોહિતે કહ્યું કે “પ્રોબ્લેમ મારા તરફથી નહોતો. બટ, મારી ફિયાન્સેના મોમ-ડેડને વાંધો હતો અને તેમની પસંદગીના છોકરા સાથે તેના મેરેજ કરાવવાનો ફોર્સ હતો. મારી ફિયાન્સે એટલા માટે કોમ્પ્રોમાઈઝ કરી લેવું પડ્યું કે તેની મોમ સ્યુસાઈડની ધમકી આપતી હતી. એની વે, તારા બ્રેક-અપની સ્ટોરી શું હતી?”
ખુશી બિન્દાસ્ત થઈને બોલી કે “મારે કંઈ તારા જેવું નહોતું. હું કંઈ એની સાથે મેરેજ કરવા માગતી નહોતી. ઈટ્સ જસ્ટ ટાઈમપાસ લવ-અફેર. મારી બર્થ ડે પર એણે મને કાર ગિફ્ટ કરવા પ્રોમિસ આપ્યું હતું અને તેણે પ્રોમિસ બ્રેક કર્યું તો મેં અફેર જ બ્રેક કરી દીધું. બસ, કિસ્સા ખતમ.”
જેમ તેમ કરીને મોહિતના મા-બાપ પોતાના દીકરાના મેરેજ ખુશી સાથે કરાવવા માટે તૈયાર થયા હતા અને ખુશીના મા-બાપની બધી શરતો પણ માની ગયા હતા કે શક્તિ પ્રમાણે વ્યવહાર કરશે અને કંકુ ને કન્યા આપશે. કન્યાદાનમાં કોઈ મોટો દાયજો યા દહેજ નહીં જ આપે. મોહિતે મા-બાપને સમજાવટથી કામ લેવા કહ્યું હતું એની આ અસર હતી. જો કે ખુશીના મા-બાપે દીકરી માટે પાંચ તોલા સોનાનાં ઘરેણાં તો અવશ્ય કરાવ્યાં હતાં. થોડીક ભેટ-સોગાદો અને કપડાં-લત્તાં વગેરે.
મેરેજને એકાદ વીક થયું હશે અને એક દિવસ વહેલી સવારે ખુશી મોર્નિંગ-વોક માટે ગઈ હતી. તેને ઘરે પાછી ફરવામાં ખાસ્સી વાર લાગી એટલે મોહિત પણ વોક-વે તરફ ગયો.  ગાર્ડનના બાંકડે જે સીન જોયો તેથી તો એના મોતિયા જ મરી ગયા. ખુશી કોઈ યુવાન સાથે બિલકુલ ક્લોઝ થઈને બેઠી હતી અને વાતો કરીને ખિલખિલાટ હસી રહી હતી.
મોહિતે ખુશી અને તેના ફ્રેન્ડની નજીક જઈને કહ્યું કે “ખુશી, શું છે આ બધું?”
ખુશીએ મોહિત સામે જોઈને કહ્યું કે “કુલ ડાઉન, મોહિત... જસ્ટ રિલેક્સ, બડી... ધિસ ઈઝ માય ક્લોઝ ફ્રેન્ડ રોમી... એન્ડ રોમી, મીટ માય હબી મોહિત... એન્ડ લૂક, મોહિત... આવું બધું તો ચાલ્યા કરે... મેં તો તને બિફોર મેરેજ મારા ફ્રેન્ડઝની વાત કરી જ હતી ને.”
મોહિતનું મ્હોં પડી ગયું. એને તો બિચારાને કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ હતી.
લગ્નને એકાદ મહિનો થવા આવ્યો હતો. આથી ખુશીએ મોહિતને પોતાના મા-બાપના ઘરે થોડા દિવસ રહેવા જવાની વાત કરી હતી. મોહિતને એમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. તેણે તો હા પણ પાડી અને પિયરમાં મૂકવા આવવા પણ તૈયારી બતાવી. જો કે ખુશીએ કહ્યું કે પોતે એકલી જ ચાલી જશે.



આ તરફ ખુશીના મા-બાપ પણ દીકરી અંગે ચિંતામાં તો હતા જ. તેમને પણ ખુશી થોડા દિવસ સાથે રહેવા આવી તેથી સારું લાગ્યું.
મા-બાપે પુછી પણ લીધું કે “બેટા, સાસરામાં કોઈ તકલીફ તો નથી ને... તું ખુશ તો છું ને...”
ખુશીએ શ્વસુરપક્ષનો આખો રિપોર્ટ જ મા-બાપને આપી દીધો કે “મોહિત કહેતો હતો એવો કોઈ કોટન મરચન્ટ તરીકેનો તેમને કોઈ કારોબાર નથી. બાપ કે બેટો કોઈ કશો કામધંધો કરતા નથી. ઓફિસ અવર્સમાં એ લોકો ટાઈમસર ઘરથી બહાર જાય છે ખરા. પરંતુ તપાસ કરતા ખબર પડી છે કે મોહિતના કોઈક સગા કોટનના વેપારી છે અને તેમની પેઢી ઉપર મોહિત અને તેના પપ્પા બેસે છે. એક રીતે તો નોકરી જ કહેવાય. પેઢી કંઈ મોહિતના બાપની માલિકીની નથી. વળી ઘરે બેન્ક મોર્ગેજ અંગેની નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટમાં આવી ત્યારે હું ઘરે હતી એટલે ખબર પડી કે ફ્લેટ તો બેન્કમાં ગિરવે છે અને મૂળ રકમ ઉપરાંત વ્યાજ પણ એટલું ચઢી ગયું છે કે ફ્લેટની ગમે ત્યારે હરાજી થવાની છે, તો પણ બેન્કનું કરજ ચુકવાયા વિનાનું બાકી જ રહેવાનું છે. કાર અને ડ્રાઈવર તો ભાડૂતી હતા અને મેરેજ થાય એટલા પુરતુ જ શો-ઓફ્ફ કરવા માટે રાખવામાં આવ્યા હતા. ઘરમાં નોકર ખરા, જો કે તેમને પણ ટાઈમસર પગાર ચુકવવામાં આવતો નથી. આથી દર મહિને નવા નોકર યા ઘરઘાટીની તલાશ કરવી પડે છે. મિલકતમાં કશું નથી, જો છે તો ફક્ત એટલું જ કે હાથ, પગ ને હૈયું.”



આ તરફ મોહિતને એમ હતું કે ખુશી સાથે મેરેજ થયા પછી સાસરી પક્ષવાળા કોઈને કોઈ રીતે હેલ્પફુલ થશે અને પોતાના ફેમિલીને કરજમાંથી થોડી ઘણી પણ મુક્તિ અપાવી શકાશે. પરંતુ મોહિતના પાસા ઉલટા પડ્યા અને મેરેજમાં કોઈ જેકપોટ લાગ્યો નહીં. મોહિતે ખુશીના મા-બાપ રહે છે એ ફ્લેટ અંગે તપાસ કરાવી તો તેને પણ ખબર પડી કે ખુશીના મા-બાપે પોતાના છોકરાના હાયર એજ્યુકેશન માટે અને તેને અમેરિકા મોકલવા માટે આ ફ્લેટ પણ મોર્ગેજ જ કરેલો છે. જેના મન્થલી ઈન્સ્ટોલમેન્ટ ચઢી ગયા છે અને હવે અમેરિકા સેટલ થયા પછી ખુશીનો ભાઈ ના તો કોઈ રૂપિયા મોકલે છે કે ના તો કોઈ સંબંધ પણ રાખે છે.
મોહિતને આંચકો તો ત્યારે લાગ્યો કે મેરેજ પછી ખુશીએ પોતાની જોબ પણ છોડી દીધી હતી. મોહિતને એમ હતું કે આફટર મેરેજ ખુશી પોતાની જોબ પણ ચાલુ રાખશે તો તેની સેલરીનો થોડો સપોર્ટ પણ રહેશે.
હવે આંચકો ખાવાનો ટર્ન ખુશીનો હતો. તેણે મોહિતને કોલ કર્યો કે “મોમ-ડેડના ઘરે રહેવા આવ્યાને કમ સે કમ એક મહિનો થઈ ગયો. તું ક્યારે લેવા આવે છે?”
આ વખતે મોહિતે એબાઉટ ટર્ન જઈને નિર્લજ્જતાથી ખુશીને કહી દીધું કે “ખુશી, તું હવે તારા મોમ-ડેડના ઘરે જ ખુશીથી રહે. હું તને લેવા આવી રહ્યો નથી.”
ખુશી આ પ્રકારના રિપ્લાય સાંભળવા માટે ક્યારેય ટેવાયેલી નહોતી. તેણે મોહિતને ખખડાવી જ નાખ્યો કે “હાઉ ડેર યુ? ડુ યુ નો? વોટ આર યુ ટેલિંગ? તને હજુ ખબર નથી કે તારે આ રીતે વાત ના કરવી જોઈએ. તારે સમજવું જોઈએ કે તારો ખુશી સાથે મુકાબલો થયો છે. હું તને કોર્ટમાં ખેંચી જઈશ. આઈ વિલ સી યુ ઈન કોર્ટ એન્ડ આઈ ટીચ લેશન ટુ યુ.”
મોહિતને એમ જ હતું કે ખુશી તો ખાલી ડંફાસ મારતી હોય. એ કંઈ આવી રીતે ફર્મલી સ્ટેપ નહીં જ લે. ખુશીની ધમકીને મોહિતે અને તેના મા-બાપે પણ લાઈટલી લીધી હતી. પરંતુ એ ત્રણેયના ચહેરા ઉપરથી ત્યારે નૂર ઊડી ગયું હતું કે જ્યારે તેમના ઘરે રજિસ્ટર્ડ પોસ્ટમાં ત્રણેયના નામજોગ ફેમિલી કોર્ટના સમન્સ આવ્યા હતા. જેમાં લખ્યા પ્રમાણે જો ફેમિલી કોર્ટમાં મુદતે હાજર ના થાવ તો એરેસ્ટ વોરન્ટ પણ કાઢવામાં આવશે.



એરેસ્ટ વોરન્ટ અને એરેસ્ટ થયા પછી તો સીધા જેલની હવાલાતમાં..? આ વિચાર આવતા જ મા-બાપ અને દીકરાના મોતિયા મરી ગયા હતા. ફેમિલી કોર્ટના ચક્કર કાપતા કાપતા તેઓ પારાવાર કંટાળી ગયા હતા. ખુશીએ ફિઝિકલી એન્ડ મેન્ટલ ટોર્ચર અને ડાઉરી એક્ટ સહિત જુદા જુદા એલિગેશન સાથે કેસ કર્યા હતા અને મન્થલી કોમ્પેન્શેસન વગેરે ડિમાન્ડ કરી હતી. મોહિત માટે ડિવોર્સની વાત તો બાજુ ઉપર રહી ગઈ હતી.
આખરે કોર્ટનો ઓર્ડર આવી ગયો હતો. ખુશીનું મન આજે ખુશીથી ઉછાળા મારી રહ્યું હતું. એને લાગતું હતું કે પોતે આજે બહુ મોટો હાથ માર્યો છે. ખુશીએ વારાફરતી તેના ફ્રેન્ડ રોમી અને કુનાલને કોલ કરીને પોતાની ખુશીના ન્યૂઝ આપતા કહ્યું કે “ફ્રેન્ડ, જસ્ટ ચિલ... આઈ ગોટ એ મેરેજ ફિયેસ્તા... મને ફેમિલી કોર્ટે રૂપિયા 25 લાખ કોમ્પેન્શેસન એન્ડ પર મન્થ રૂપિયા 35,000 લાઈફ સપોર્ટ માટેનું વેજીસ ફિક્સ કરી આપતો ઓર્ડર કર્યો છે. જે મારા બેન્ક એકાઉન્ટમાં રેગ્યુલર ડિપોઝિટ થશે. જો મોહિત આમ નહીં કરે તે દિવસે તેને જેલમાં જવાનો વારો આવશે.”
જો કે આ વાત સાંભળીને સરપ્રાઈઝ કુનાલે તો પુછી પણ લીધું“વાઉ...ખુશી, બટ લેટ મી ટેલ યુ... હાઉ ઈટ્સ હેપન... તેં કોર્ટમાં કેવી રીતે પ્રૂવ કર્યું કે તારો હબી રિચ એન્ડ ઈકોનોમિકલી કેપેબલ છે?”
ખુશીએ ફોડ પાડતા કહ્યું કે “યા, કુનાલ. ઈટ્સ ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ. બટ, યુ નો. તને તો ખબર છે ને કે મોહિતને બીજાની કાર, બાઈક્સ, જ્વેલરી, સનગ્લાસીસ વગેરે સાથે સેલ્ફી લેવાનો અને એફ.બી. પર અપલોડ કર્યા કરવાનો બહુ ક્રેઝ છે. મેં કોર્ટમાં તેના એ ડિફરન્ટ મોડલની કાર સાથેના, બાઈક સાથેના અને જ્વેલરી સાથેના પિક્સ પ્રોડ્યુસ કરીને આર્ગ્યુમેન્ટ કરી હતી કે મારો હબી ખુબ ધનિક છે, એન્ડ આઈ પ્રૂવ્ડ ઈટ..!”




Sunday, June 17, 2018

બૂટઃ એક ભૂતકથા - દિનેશ દેસાઈ





બૂટઃ એક ભૂતકથા - દિનેશ દેસાઈ

મારા લધુશોધનિબંધનો વિષય હતો, “નવગુજરાતની ચળવળમાં નેતાઓનું પ્રદાન.” વિષય ધારીએ એટલો સહેલો તો નહોતો જ. જો કે વિષય મેં જ પસંદ કર્યો હોવાથી એમાં મને કશું અઘરું પણ લાગતું નહોતું. નિબંધ લેખનની પૂરક સામગ્રી અને કેટલાક ફોટોગ્રાફસ્ માટે મારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, મહેસાણા સહિત ઘણા બધા શહેરની મુલાકાત લેવી પડી હતી. કેટકેટલા અનુભવો. માણસે માણસે જુદી વાત અને જુદો અનુભવ. હકુમતરાયના પ્રદાનની વિગતો મેળવવા માટે એમના ઘર સુધી તો પહોંચ્યો, પણ એ પછીની સફર આસાન નહોતી.
“ના, ભાઈ, ના. અમારે અમારા નાનાજી વિશે કોઈ વિગતો છપાવવી નથી. મહેરબાની કરીને તમે અહીંથી સિધાવો.” હકુમતરાયના દોહિત્ર તો એવી રીતે વાત કરતા હતા કે જાણે એમના દ્વાર ઉપર કોઈ ભિક્ષા લેવા આવ્યા ન હોઈએ!
રેશમકાન્ત દિવેટીયા નામના નેતાનું પણ અલગ ગુજરાતની ચળવળમાં નોંધનીય પ્રદાન હોવાનું જાણીને એમની વિગતો મેળવવા પણ પ્રયાસ કર્યો. તેઓ તો જો કે દેવ થઈ ગયા હતા પણ એમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. એમના બૅન્કર દીકરાએ તો તરેહતરેહના સવાલો કરીને મને ગૂંચવી જ દીધો હતો.
“તમે આ નિબંધ અને પુસ્તક તૈયાર કરીને શું સિદ્ધ કરવા માગો છો? તમે મારા પિતાજીની વિગતો અને ફોટાઓ છાપીને એમના નામને વટાવી ખાવા માગો છો? રૂપિયા કમાવવાના જાતજાતના નુસખાઓ તમે યુવાનો શોધી કાઢો છો મારા પિતાને મર્યા પછી તો જંપવા દો. શું જોઈને તમે લોકો નીકળી પડો છો?”
આવા સવાલો કોઈ પણ અભ્યાસનિષ્ઠ વ્યક્તિને એનો અભ્યાસ પડતો મૂકી દેવા મજબુર કરવા માટે પૂરતા હતા પણ મારા મિત્ર નંદભાઈ મને સધિયારો આપતા. મારા ગાઈડ ડૉ.નૌતમલાલને હું કહેતો પણ ખરો કે “સાહેબ, આ નેતાઓએ ગુજરાતની સ્થાપના માટે જેમ જાત ઘસી નાખી હતી એમ મેં એમના વિશે લખવા માટે મારા બૂટ ઘસી નાખ્યા છે.”
બૂટ... પગરખા માટે મને હંમેશા એક પ્રકારનું ઑબ્સેસન રહ્યું છે. કૉફી-બ્રાઉન રંગના વાદળી (દોરી)વાળા મેટ્રૉ શૂઝ મેં હમણા જ ચાર હજાર રૂપિયામાં ખરીદ્યા. પ્રવાસમાં જવાનું હોય ત્યારે આ શૂઝ ખપ લાગે. અગાઉ પાંચ હજાર રૂપિયામાં ખરીદેલા બ્લેક પાર્ટી શૂઝ તો હતા જ. જે મોટા ભાગે હું પાર્ટી-વૅર તરીકે વાપરતો. મૉર્નિંગ વૉક માટે ઍડિદાસના વ્હાઈટ સ્પૉર્ટ્સ શૂઝ પણ ખરા. હા, હૉલ શૂઝનો શોખ તો એવો કે ચેઈનવાળા – હૉલ શૂઝ હું દર દિવાળીએ બનાવડાવું. જૂતાકામના એક કારીગરની માપ લેવાની અને ફિટિંગ, ફિનિશિંગની કુશળતા મને અનુકૂળ આવી ગઈ હતી. ચારેક હજારમાં એ કારીગર અસલ ચામડાના હૉલ શૂઝ મને બનાવી આપે. કારના બદલે મૉટર-બાઈક ચલાવવાની થાય ત્યારે હું હૉલ શૂઝ પહેરવાનું પસંદ કરું. આ સિવાય ડેઝર્ટ સફારી યા ફૉરેસ્ટ સફારીમાં જવાની વેળા આવે ત્યારે મને હૉલ શૂઝ પહેરવાનું ગમે. યુનિવર્સિટી, નોકરીના સ્થળે હું હંમેશા સાદા અને લૅશવાળા શૂઝ પહેરવાનો જ આગ્રહ રાખું. કારણ કે ત્યાં દોરી છોડીને પ્રવેશ કરવાની કોઈ કડાકૂટ ન હોય. સવારે દોરી બાંધી તે બાંધી. પછી છેક સાંજે ઘરે પાછા ફરીએ ત્યારે જ દોરી છોડવાની આવે.
મારે બૂટ કોઈ પણ પહેરવાના હોય, છતા હું દરેક બૂટની રોજ બરાબર કાળજી લઉં. દરેક પૅર સાફસુથરી અને ચકચકિત રાખવાની. લેધર શૂઝની પૉલિશ પણ હું જાતે જ કરું. ઘર બહાર નીકળ્યા પછી સમય મળે કે મોકો મળે તો બહાર પણ પૉલિશ કરાવી લઉં. અઠવાડિયામાં બે-ત્રણ વાર સ્પૉર્ટ્સ શૂઝ હું જાતે જ ધોઈને સજાવી રાખું. ઘરના નોકર-ચાકર પાસે હું આ કામ કરાવવાનો વિરોધી છું. હું માનું છું કે જૂતાં આપણાં છે અને આપણે જ પહેરીએ છીએ તો આપણે જ સાફ-સફાઈ કરવી જોઈએ. મારે જ્યારે કોઈ કારણસર સામાજિક કામે કોઈના ઘરે જવાનો પ્રસંગ બને ત્યારે હું ખાસ લૅશ વગરનાં શૂઝ પહેરવાનું પસંદ કરું. ખાસ કરીને પાર્ટી શૂઝ અથવા કદીક હૉલ શૂઝ. લૅશ વિનાનાં બૂટ પહેરવાનું કારણ એટલું જ કે કોઈના ઘરે જઈએ ત્યારે શિષ્ટાચાર પ્રમાણે ઘરના આંગણે યા તો ઉંબરે શૂઝ કાઢવા જ પડે. આવા ટાણે જો આપણે દોરી વિનાનાં શૂઝ પહેર્યા હોય તો એને કાઢવામાં અને ફરી વાર પહેરવામાં સાનુકૂળતા રહે. મારા વૉર્ડરૉબ પાસેના શૂઝ એરિયામાં નહીં નહીં તોય એક ડઝનથી વધુ શૂઝનો ખજાનો ખરો.
મારી લેખન-સંશોધન પ્રક્રિયામાં લોકો તરફથી અસહકાર મળે ત્યારે હું નાસીપાસ થઈને કહું પણ ખરો કે “આ કામમાં માત્ર પૈસાનું પાણી જ થાય છે એવું નથી, મારાં તો બૂટ ઘસાઈ ગયાં.”
આ સાંભળીને મારા વડીલમિત્ર પ્રદીપભાઈ મને કહે કે “કેમ વળી, તારે ક્યાં બૂટની કમી છે? તારી પાસે તો બૂટનો ખજાનો છે ને.”
આ શોધનિબંધ તૈયાર કરવા પાછળ મેં કેટલા દંડ-બેઠક કર્યાં છે, એ તો મારું મન જાણે છે. પત્રવ્યવહાર, ટપાલ અને કુરિઅરનો ખર્ચ, ફોન કરવાના અને લોકસંપર્ક તથા પ્રવાસ પણ કરવાનો. પેટ્રોલનો ધુમાડો અને બહારગામ, પ્રવાસ વખતે રહેવા-જમવાના ખર્ચા પણ ખરા.



આ સંશોધનયાત્રા દરમિયાન અલગ ગુજરાતની ચળવળના એક દીવંગત નેતાના પુત્રએ તો મને મ્હોં ઉપર ચોપડાવી પણ દીધી હતી કે “તમે તો આ પુસ્તક લખીને રૂપિયા કમાઈ લેશો, પણ અમને તો કોઈ જ ફાયદો નહીં થાય ને.” હવે એને કોણ સમજાવે કે આ સંશોધન જ્યારે પણ પુસ્તક તરીકે છપાશે ત્યારે મને કંઈ કરોડો રૂપિયા મળી જવાના નથી. એને કોણ સમજાવે કે હું મારા વાચન-લેખનના શોખને કારણે જ આ કાર્ય કરી રહ્યો છું, કમાઈ લેવા માટે નહીં. જે રીતે મને બૂટનું ઑબ્સેશન છે, એ જ રીતે મને વાચન-લેખનનું પણ વળગણ છે. આ વાત હું કોઈને કેમ કરીને સમજાવું કે વાચન-લેખન મારો શોખ છે, બ્રેડ-બટર નથી. ધીસ ઈઝ નોટ માય કપ ઑફ ટી.
મારા લઘુશોધનિબંધ માટે મારે હવે માત્ર રામપ્રતાપ પટેલની જ વિગતો અને તેમના ફૉટોગ્રાફ્સ્ લેવાના બાકી હતા. મારા ગાઈડ ડૉ.નૌતમલાલના કહેવા પ્રમાણે મહેસાણાના આ સપૂતનું પ્રદાન આમ તો ઓછું, પણ ધ્યાનાર્હ હોવાથી એમની વિગતો લીધા વિના મારું સંશોધન અધુરું જ ગણાય. મારા ગાઈડે કહ્યું એ પ્રમાણે એમના અને મારા વચ્ચે બૂટની સામ્યતા હતી. તેઓ પણ શૂઝ – પગરખાંનાં શોખીન હતા. એમને પણ મારી જેમ જ “બૂટનું વળગણ”. કહે છે કે અમદાવાદની માંડવીની પોળમાં તેઓ રહેતા ત્યારે નવગુજરાતની ચળવળ વખતે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં જ્યારે પથ્થરો ખુટી ગયા ત્યારે આંદોલનકારી યુવાનો માટે તેઓએ પોતાનાં જૂતાંનો ભંડાર ખુલ્લો મૂકી દીધો હતો. બસ, એમનો સંપર્ક યા સરનામું શોધવામાં મને નવ નેજાં પાણી ઉતરી ગયાં. કોઈ કહે કે રામપ્રતાપ મહેસાણા રહે છે, તો કોઈ કહે કે તેઓ અમદાવાદમાં જ રહે છે. કોઈએ વળી એવી માહિતી આપી કે તેઓ તો પોતાની દીકરી સાથે રહેવા અમેરિકા જતા રહ્યા છે.. કોઈ વળી એમ પણ કહેતું કે તેઓ તો ક્યારનાય સ્વર્ગે સિધાવી ગયા છે. મને કશું સૂઝતું નહોતું. કોઈ દિશા મળતી નહોતી. એમના એકને ખાતર મારું કામ અધુરું રહી જાય એવું હતું.
એવામાં પ્રદીપભાઈ મારા માટે આશાના કિરણ જેવા સમાચાર લઈને આવ્યા. મને કહે કે “આ લ્યો, રામપ્રતાપ પટેલનું સરનામું અને તેમના ઘરનો ટેલિફોન નંબર. અમદાવાદમાં પાલડી, વાસણા રોડ ઉપર સાબરમતી રીવરફ્રન્ટ તરફની સોસાયટીના બંગલામાં તેઓ રહે છે. મોટી ઉંમરના કારણે તેઓ ઘરની બહાર કશે નીકળતા નથી. બસ આટલી જ વિગતો ક્યાંકથી મળી છે.”
મેં તો બીજા જ દિવસે સાંજે કચેરી સમય પુરો થયા પછી રામપ્રતાપભાઈને મળવા એમના ઘરે જવાનું મનોમન નક્કી કરી નાખ્યું. મને એમ કે એમને ફોન કરવાની જરુર નથી. તેઓ તો ઘરે જ હોય છે ને. જો કે ધાર્યું તો ધણીનું જ થાય. બીજા દિવસે મોડી સાંજે ઘરેથી નીકળતા જ મોડું થયું. રાતના છેક નવ વાગે નીકળ્યો પણ નસીબ એકાદ-બે ડગલાં આગળ પાછળ હોય ત્યારે શું થાય? પાલડી પહોંચતા જ કારમાં પંચર. રસ્તે જતા કોઈ માણસની મદદથી વ્હીલ બદલાવ્યું. એમાં તો રામપ્રતાપભાઈની સોસાયટી સુધી પહોંચતા રાતના દસ વાગી ગયા. આટલા મોડા કોઈના ઘરે પૂર્વસૂચના આપ્યા સિવાય ન જ જવાય. પરંતુ મારો સ્વભાવ એવો ખરો કે ડગલું ભર્યું કે ન હઠવું.
ચોતરફ શિયાળાની રાતનો સન્નાટો. બૉર્ડ લાગેલાં હોય એટલે સોસાયટી શોધવામાં વાંધો ન આવ્યો. આંતરીક રસ્તા ઉપર મારી કાર સિવાય કોઈ વાહનની અવરજવર જોવા ન મળે. રામપ્રતાપભાઈના ઘર વિશે પૂછવું તો કોને પૂછવું? એમના ઘરનો નંબર અત્યારે હાથવગો નહોતો કે જેથી એમને ફોન કરીને ઘર શોધવા વિશે પૂછી શકાય. મળેલી માહિતી પ્રમાણે તો તેઓ એકલા જ રહે છે. રામપ્રતાપભાઈની સોસાયટીનું નામ લખ્યું હતું એ બૉર્ડ પાસે ધોબીની કૅબિન હતી. બારણું બંધ હતું પણ અંદર લાઈટ ચાલુ હતી. આથી મેં કાર પાર્ક કરી દીધી અને બારણું ખટખટાવ્યું. કોઈ આધેડ માણસે માત્ર ડોકું જ બહાર કાઢ્યું.
મેં પૂછ્યું કે “બંગલા નંબર નવ, રામપ્રતાપભાઈ...?”
પેલાએ ઘડીભર મારી સામે જોયું ન જોયું અને હાથથી ઈશારો કરીને સામેના ભાગે એક બંગલો બતાવ્યો. એ કશુંક બોલતો હતો કે “પણ, એ તો...”
પરંતુ હું એની કોઈ વાત સાંભળ્યા વિના પેલા બંગલાની દિશામાં ઝડપભેર ચાલી નીકળ્યો. છેક છેવાડાનો બંગલો હતો. આસપાસના બંગલાઓમાં કોઈ ચહલપહલ નહોતી. જાણે સૌ ઝંપી ગયા હતા. બીજા બંગલાઓમાં તો ડીમલાઈટનો ઝાંખો પ્રકાશ પણ ખરો. જ્યારે બંગલા નંબર નવમાં તો જાણે ઘોર અંધારું. એક ઘડી તો મને થઈ આવ્યું કે આ રામપ્રતાપભાઈ આટલી બધી કંજુસાઈથી કેમ જીવતા હશે. સર્વત્ર અંધકાર હતો એમ તેમના બંગલા ઉપર પણ અંધકારનો કબજો હતો. બંગલાના પ્રાંગણમાં જામી ગયેલા ઘટાદાર વૃક્ષોમાં થઈને વહી આવતા પવનની સરસરાહટ અને પાંદડાઓનો સૂરાવલિ શાંત માહોલમાં જાણે કાંકરીચાળો કરી લેતી હતી.
મેં બંગલાનો ઝાંપો ખોલવા પ્રયાસ કર્યો. ઝાંપો જાણે વણવપરાયેલો પડ્યો હોય એમ કાટ ખાધેલા અને હવડ ઝાંપાનો અવાજ આવ્યોઃ “ક... ડ... ડ... ડ...” ઝાંપાના કિચુડાટથી સન્નાટામાં વિક્ષેપ પણ પડ્યો. ઝાંપો ખોલીને બંગલાના વિશાળ કમ્પાઉન્ટમાં મેં પ્રવેશ કર્યો ત્યાં તો બંગલામાં અચાનક ઝાંખો પ્રકાશ રેલાયો અને બંગલાની ભીતરથી એક સફેદ ઓળો મારી તરફ આગળ વધ્યો.
મને આવકાર આપતા કહ્યુઃ “આવો, આવો... મનીષભાઈ. કેમ છો?”
રાતના લગભગ દસ-સાડા દસ તો વાગી ચુક્યા હતા. રાતના સન્નાટાને ચીરતો અવાજ. એમાંય આગંતુકને નામજોગ સંબોધન. મારા શરીરમાંથી તો એક લખલખું પસાર થઈ ગયું. રોમરોમમાં કશુંક થઈ ગયું.



“આવો, આવો. અંદર આવો. મારું જ નામ રામપ્રતાપ પટેલ. અહીં હું એકલો જ રહું છું. તમે મને જ મળવા માટે આવ્યા છો ને?” – મારું આશ્ચર્ય શમ્યું નહોતું ત્યાં તો શ્વેત કેશ અને સફેદ લેંઘા-ઝભ્ભાવાળા આ તંદુરસ્ત વૃદ્ધે મારો હાથ પકડી લીધો ને હસ્તધૂનન કર્યું.
હું આંગણું વટાવીને ઉંબરા સુધી તો પહોંચી જ ગયો હતો. મેં ઘરના ઉંબરા બહાર મારા બૂટ કાઢ્યા. એ વખતે હું ખાખી રંગના મિલિટરી ટાઈપ હૉલ શૂઝ પહેરીને ગયો હતો.
મારા હૉલ શૂઝ જોઈને વૃદ્ધની આંખોમાં અજબની ચમક આવી ગઈ. મને કહે કે “તમારા બૂટ સરસ છે. મને પણ બૂટનો ભારે શોખ હતો. પણ, હવે તો –”
હું એ વૃદ્ધની પાછળ પાછળ દોરવાતો દોરવાતો બંગલાના મુખ્ય બેઠકખંડમાં પ્રવેશ્યો. ઘરમાં રાચરચીલું ખરું પણ ઘર જાણે વર્ષોથી બંધ હોય એ રીતે આખું ઘર હવડ હોય એમ લાગતું હતું. બેઠકખંડમાંથી બીજા ત્રણ અલગ અલગ ખંડમાં જવા માટેના બારણાં જોઈ શકાતા હતા.
“પણ, તમે તો મારા ઘરે સાંજે આવવાના હતા ને? જો કે રાતે આવ્યા એ ઠીક જ થયું. સાંજે હું તમને ન મળી શક્યો હોત.” – મારા આશ્ચર્યને બેવડાવતા એ વૃદ્ધ બોલ્યે જતા હતા.
મારા માટે નવાઈની વાત એ હતી કે આમને ક્યાંથી ખબર પડી ગઈ કે હું સાંજે આવવાનો હતો? જો કે જેમતેમ કરીને મેં મન મનાવ્યું.
અત્યાર સુધીમાં સંશોધન નિમિત્તે મને સૌથી વધુ સહકાર અથવા પ્રેમભર્યો આવકાર આ વૃદ્ધે જ આપ્યો હતો. તેઓ તો ઈતિહાસનાં પાનાં ફંફોસવા માંડ્યા હોય એમ સંસ્મરણો કહેતા ગયા. તેઓ બીજા રૂમમાં ગયા અને હું બેઠકખંડમાં એકલો પડ્યો ત્યારે ફરી એકવાર ભયનું લખલખું મારા શરીરમાંથી પસાર થઈ ગયું. બેઠકખંડમાં એક જ દુધિયો બલ્બ હોવાથી ખુબ ઓછો પ્રકાશ જણાતો હતો. મને થયું કે આ મહાશય ટ્યુબલાઈટના બદલે નાનકડો બલ્બ શા માટે વાપરતા હશે?
થોડી મનિટોમાં જ તેઓ બીજા રૂમમાંથી બેઠકખંડમાં પાછા ફર્યા. કેટલાક પેપર-કટિંગ્સ્, થોડા ફૉટોગ્રાફ્સ્ અને પોતાની વિગતોવાળા થોડા કાગળો તેમણે મારા હાથમાં મૂકતા કહ્યું કે “જીવડાં-જીવાત બહુ થાય છે એટલા માટે હું ટ્યુબલાઈટના બદલે આ નાનો બલ્બ જ પસંદ કરું છું.”
મને નવાઈ લાગી કે મારા મનના વિચારો આ વડીલ કઈ રીતે વાંચી જતા હશે? મારી આગતાસ્વાગતા માટે ફક્ત એક ગ્લાસ પીવાનું પાણી તેમણે મને આપ્યું હતું.
પાણીનો ગ્લાસ આપતા તેઓ બોલ્યા હતા કે “માફ કરજો, મનીષભાઈ. હું તો અહીં એકલો જ રહેતો હોવાથી તમારો કોઈ આતિથ્યસત્કાર હું કરી શકતો નથી.”
મેં સૌજન્ય દાખવીને વિવેક પણ કર્યો હતો કે “કશો વાંધો નહીં. તમે મને આટલી મદદ કરી, એ જ મારા માટે બહુ મોટી વાત છે. આમેય રાતના બાર, સાડા બાર વાગવા આવ્યા છે. હું નીકળું?”
આટલું કહીને હું ઉભો થયો અને તેઓએ હકારમાં ડોકું હલાવ્યું તથા મારી સાથે હાથ પણ મિલાવ્યો. હું બેઠકખંડની બહાર આવ્યો અને જોયું તો ઉંબરા પાસે મેં જે હૉલ શૂઝ કાઢ્યા હતા, તેમાંથી ડાબા પગ માટેનો બૂટ ગાયબ હતો. ઉંબરા પાસે જમણા પગમાં પહેરવાનો એક જ બૂટ પડ્યો હતો. મારી પાછળ પાછળ મને વળાવવા માટે બહાર આવેલા વૃદ્ધ તરફ મેં પ્રશ્નસૂચક નજર કરી.
તેઓ એટલું જ બોલ્યાઃ “અરે? તમારો બીજો બૂટ ક્યાં જતો રહ્યો? એમ લાગે છે કે કોઈ કૂતરું ખેંચી ગયું હશે...”
હું હજુ તો મનમાં એવું વિચારતો હતો કે આ વૃદ્ધને સુણાવી દઉં કે “તમને ખબર હતી કે અહીં કૂતરાઓનો આવો ત્રાસ છે, તો મારા બૂટ ઉંબરામાં કાઢવાના બદલે ઘરની અંદર કાઢ્યા હોત ને?”
જો કે એ વૃદ્ધને મારા મનની વાત કઈ રીતે સંભળાઈ ગઈ હશે, એની તો મને ખબર નથી પણ તેઓએ માફીના સ્વરમાં મને કહ્યું કે “માફ કરજો. પણ હું તમને કહેવાનું ભુલી ગયો કે બૂટ બહાર ન કાઢશો. બૂટ પહેરી રાખ્યા હોત તો પણ ચાલી જાત.”
એ જોઈ શક્યા કે હું થોડો ખિન્ન થઈ ગયો હતો. બંગલાના આંગણામાં તો ચોતરફ અંધકાર જ અંધકાર હતો. બેઠકખંડના પેલા નાનકડા બલ્બનો ઝાંખો પ્રકાશ પણ ક્યાં સુધી પહોંચી શકે? હું હજુ તો વિચારતો જ હતો કે મારો બીજો બૂટ શોધવો ક્યાં?
એવામાં વૃદ્ધ રામપ્રતાપભાઈએ મને કહ્યું કે “તમે અહીં જ ઉભા રહો. હું હમણા જ ઘરમાં જઈને ફાનસ લઈ આવું. પછી આપણે તમારો બૂટ શોધી કાઢીએ.” – આટલું કહીને તેઓ તો બંગલાની ભીતર ઝાંખા પ્રકાશમાં ચાલ્યા ગયા. ખાસ્સી વાર લાગી તો પણ તેઓ તો અંદર ગયા તે ગયા. પાછા બહાર આવ્યા જ નહીં. આમ ને આમ તો દસ-પંદર મિનિટ વીતી ગઈ. બંગલાનો મુખ્ય દરવાજો પવનની એક જ થપાટે ધડામ્... અવાજ સાથે બંધ થઈ ગયો. જો કે અવાજ એટલો જોરદાર હતો કે સોસાયટીમાં પથરાયેલા અંધકાર વચ્ચે અવાજની દિશા પારખીને દંડો પછાડતો એક ચોકીદાર આવી પહોંચ્યો. મોંઢે અને માથે મફલર અને ટોપી પહેરેલી હોવાથી તેનો ચહેરો જોઈ શકાય એવો નહોતો, પણ યુનિફૉર્મના કારણે ચોકીદાર જ લાગતો હતો.
બંગલાની બહારના ભાગે ખખડેલા ઝાંપા પાસે ઉભા રહીને ચોકીદારે રીતસર બુમ જ પાડીઃ “કૌન હૈ, કૌન હૈ વહાં?” – ઝાંખા પ્રકાશમાં પણ એ જાણે મને તાકી રહ્યો હતો.
મારા જમણા પગનો એક બૂટ હાથમાં લઈને હું બંગલાની બહારના ભાગેથી ચાલીને ઝાંપા સુધી ગયો. એની નજીક જઈને કહ્યું કે “મૈં તો રામપ્રતાપભાઈ કા ગેસ્ટ હું... વો ભીતર ફાનુસ લેને કે લિયે ગયે હૈ. ઈસ લિયે મૈં ઉનકી રાહ દેખ રહા થા.”
ચોકીદાર તો આ સાંભળીને ચમકી જ ગયો અને બોલ્યો કે “કિસકી બાત કર રહે હો, બાબુજી? રામપ્રતાપજી કો ગુજરે હુએ તો તીન સાલ હો ગયે. તબસે યહાં તો કોઈ નહીં રહેતા. પતા નહીં, ઉનસે મિલને કે લિયે લોગ કહાં કહાં સે ચલે આતે હૈ? ઔર તો ઔર, વો આપ જૈસે લોગોં કો મિલતે ભી હૈ...? મેરી તો કુછ સમજમેં નહીં આતા. બાબુજી, આપકા એક જૂતા ભી ગુમ હો ગયા હોગા. ઠીક હૈ ના..?”




Saturday, July 23, 2016

પ્રેમ એટલે હંમેશા પોઝિટીવ વેવ્સ્ - દિનેશ દેસાઈ

રશિયન સાહિત્યકાર ફ્યોદોર દોસ્તોવ્યેસ્કી (1821-1881)એ લખ્યું છે કે “જીવનમાં તમે જે કંઈ કરો છો, એ તમારી ખુશી માટે કરો છો. તમારી ખુશીથી વિશેષ કશું જ ન હોઈ શકે. જ્યારે તમને કોઈ એક્શન કરવા ખાતર કરતા હોવાનું લાગે તો તમારે એમ ન જ કરવું વધુ બહેતર છે.” પ્રેમ એટલે જ ખુશી. પ્રેમ એટલે જ હેપ્પીનેસ. પ્રેમ એટલે જ હંમેશા પોઝિટીવ વેવ્સ્. જો તમારી જિંદગીમાં તમે પ્રેમની અનુભૂતિ કરી હોય તો તમને હંમેશા પોઝિટીવનેસ યાને પોઝિટીવ એનર્જી જ મળી હોવી જોઈએ. જો એમ ન બન્યું હોય અને તમને નકારાત્મકતાનો અનુભવ થયો હોય તો માની લેવું કે એ બીજું કશુંક હોઈ શકે, પરંતુ પ્રેમ તો નહોતો જ. પ્રેમમાં કોઈ પણ જાતની નેગેટીવિટીને સ્થાન જ ન હોઈ શકે. દોસ્તોવ્યેસ્કી કહે છે એમ, તમે કોઈને ચાહો છો, તો એ કોઈ ફોર્મલ-જોબ કે કરવા ખાતર કરવાનું કામ નથી. તમારું દિલ શું કહે છે, એ પણ એટલું જ જરુરી બને છે. દિલની વાતને અનુસરો. પ્રેમ એ કોઈ પાર્ટ-ટાઈમ જોબ કે પાર્ટ-ટાઈમ બિઝનેસ નથી. કોઈ વ્યક્તિ તમને ગમી જાય, તેનું સ્મિત તમને આનંદ, ખુશી આપી જાય તો સમજવું કે તમને એ વ્યક્તિ ગમે છે. એવી વ્યક્તિની કંપની તમને પોઝિટીવ એનર્જી આપે છે. ઘણી વાર તમે અનુભવ્યું હોય કે અમુક વ્યક્તિની હાજરીથી તમને કંટાળો આવે, તનાવ અનુભવાય, કોઈકની કંપની બોરિંગ લાગ્યા કરે, તો એવી વ્યક્તિ અવશ્ય તમારા માટે નેગેટિવ-વેવ્સ્ આપનારી ગણાય. બની શકે તો એવી નેગેટિવ-વેવ્સ્ આપનારી વ્યક્તિથી યોગ્ય અંતર રાખવું જોઈએ. કારણ કે તમે ખુશીને પસંદ કરો છો, દુઃખને નહીં. તમારે તમારી ખુશી અને હેપ્પીનેસ માટેની પ્રાયોરિટી પણ સમજવી જોઈએ. જ્યારે કોઈ પણ સંબંધની દોરનું બેઉ પક્ષે સમતુલન ન જળવાય તો આખરે સંબંધની દોર તૂટી જતી હોય છે. જ્યારે સંબંધ નામની ચામાં કડવાશ અનુભવાય ત્યારે એવો સંબંધનો ઘૂંટડો ગળે ઉતરતો નથી. આવો સંબંધ ગળે લટકાવી રાખવાનો કોઈ અર્થ નથી. સંબંધમાંથી ઉષ્મા અને સુષ્મા ચાલી જાય પછી એવા સંબંધનો ભાર ખભે ઊપાડીને ફરવાનો પણ કોઈ અર્થ નથી. કહેવાય છે ને કે ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પહેલા જેવી મીઠાશ ક્યારેય આવતી નથી. એક વાર બનાવેલી અને ગરમાગરમ ચા ઠંડી પડી જાય પછી ચાને ફરીવાર ગરમ કરીને પીવાનો કોઈ અર્થ નથી. સંબંધનું પણ એવું જ છે. એક વાર બે વ્યક્તિ વચ્ચે ખટરાગ પેદા થયો પછી એ ગોબો ભરાતો નથી અને તિરાડ સંધાતી નથી. ગોબો ભરાય તો પણ દેખાય છે અને તિરાડ સંધાય તો પણ તે દેખાય છે. બેઉ વ્યક્તિ સમજે છે કે કશુંક ચલાવી લેવું, એનું નામ પ્રેમ નથી. સ્વયં અને ભીતરથી પ્રગટે તો જ પ્રેમ. તમે જ્યારે કોઈને ચાહો છો, ત્યારે તમે તમારું બધું કામકાજ ભુલી જઈને સૌથી પહેલી અગત્યતા, ટોપ-પ્રાયોરિટીઝ ગમતી વ્યક્તિને આપો છો. સામી વ્યક્તિએ પણ બદલામાં આવું એટેન્શન આપવું જોઈએ. આ કોઈ લેવડદેવડ નથી કે બદલો વાળવો પડે. આમ છતા પ્રેમ માટે સમય આપવો અરસપરસ યા અન્યોન્ય બાબત છે. કેમ કે એક હાથે તાળી ન જ પડે. જ્યારે તમે તમારી લાઈફમાં કંઈક નવું કરવા માગો છો, કંઈક પરિવર્તન કરવા માગો છો, ત્યારે તમારે અવશ્ય તમારી પ્રાયોરિટીઝ બદલવા ઉપર પણ ધ્યાન આપવું પડે. સંબંધ એની સાથે જોડવો જોઈએ કે જેમને તમારા સંબંધનું માન અને ગૌરવ પણ હોય. જે વ્યક્તિ તમારી સાથે જોડાયેલી રહેવા માટે કોઈ પણ પ્રકારના જોખમની પરવા ન કરે અને દરેક જોખમ ઉઠાવીને પણ તમારી સાથે જોડાયેલી રહે. સંબંધ એ આમ તો પરમેનન્ટ જોબ જેવી અવસ્થા અને વ્યવસ્થા છે, જો તમારી પાસે એ માટે પુરતો સમય જ ન હોય તો તમે એ માટે એપ્લાય પણ ન જ કરો એ વધારે બહેતર છે. સંબંધની ગરિમા ચાર પાયા ઉપર ટકે છેઃ (1) પ્રેમ, (2) પ્રામાણિકતા, (3) સત્ય અને (4) આદર. આ ચાર બાબતો સિવાય કોઈ પણ સંબંધ ટકી શકતો નથી. જે તમને બિનશરતીય રીતે ચાહે છે, એમના માટે તમે સમય ફાળવો. જ્યારે સમય-સંજોગ અને પરિસ્થિતિ વગેરે બધું જ સામી વ્યક્તિની અનુકૂળતા મુજબ હોય ત્યારે જ એ વ્યક્તિ જો તમને સાથ આપતી હોય તો એનો અર્થ એવો જ થયો કે એ વ્યક્તિ પોતાની તરફેણની સ્થિતિમાં જ તમારી સાથે જોડાયેલી રહેશે, તમારી પરિસ્થિતિ યા સંજોગ બદલાશે તો એ વ્યક્તિ પણ બદલાઈ જશે. આવી વ્યક્તિની ચાહત પણ તકલાદી હોય. જેટલો પ્રેમ તમે તમારી જાતને કરો છો, એટલો જ પ્રેમ તમે સામી વ્યક્તિને પણ કરો. પ્રેમ પોઝિટીવ-એનર્જીનું પાવર-હાઉસ છે. તમે સૌપ્રથમ તમારી ભીતર પ્રેમ ભરી દો. આ પછી તમે પ્રેમની પરબ માંડો. એકવીસમી સદીમાં કોઈની પાસે પોતાની કે અન્યની ચિંતા-ફિકર કરવાનો સમય નથી. આથી જ પ્રેમનું મહત્વ વિશેષ છે. જ્યારે તમે કોઈને તમારો સમય આપો છો ત્યારે તમે માત્ર સમય જ આપો છો એવું નથી, તમારી જિંદગીમાંથી અમુક હિસ્સો આપી દો છો કે જે પાછો ક્યારેય આવવાનો નથી. જ્યારે તમે કોઈને પ્રેમ અને લાગણી આપો છો, તો તમારા બાસ્કેટમાં પણ પ્રેમ અને લાગણી આપોઆપ જ આવી જાય છે. સાચો પ્રેમ તમને કદાચ ક્યારેક વેદના પણ આપે છે. કેમ કે તમે ફૂલ સામી વ્યક્તિને આપો છો અને કંટકનું દુઃખ પોતાની પાસે રાખી લો છો. આ છે સાચા સંબંધની બારાખડી, કાળજી અને સંભાળ. ચાહતની આ જ તો નિશાની છે કે તમે ગમે તેટલી વેદના સહન કરીને પણ સામી વ્યક્તિને હંમેશા ખુશી આપવાનો જ પ્રયાસ કરો છો. સ્ત્રી હોય કે પુરુષ, એ જ્યારે પ્રેમ કરે છે ત્યારે પોતાનું તન, મન, ધન, માન-સન્માન, અભિમાન અને સ્વાભિમાન સહિત બધું જ પોતાના પ્રિયજન સમક્ષ ન્યોછાવર કરી દે છે. પોતાની જાતને પ્રિયજનમાં ઓગાળી દે છે. વ્યક્તિ ખુદને ભુલીને અને પોતાની આસપાસની દુનિયાને પણ ભુલીને સતત પ્રિયજનના વિચારોમાં જ રમમાણ રહે છે. હવે સમય જતા જો વ્યક્તિને એટલો જ પ્રેમ ન મળે ત્યારે વ્યક્તિ ભીતરથી તૂટી જાય છે. વ્યક્તિને પોતાના પ્રેમનો અનાદર થયો છે, એનો સ્વીકાર કરવો પણ તેના માટે અઘરો બની જાય છે. પ્રેમના હસીન સપનાઓની દુનિયામાંથી વ્યક્તિ વાસ્તવિકતાની ધરતી ઉપર પછડાય છે, તેની પીડા અમાપ અને અપાર હોય છે. તેના જીવનમાં પ્રેમની ગેરહાજરીથી જાણે નિઃશબ્દ આંધી ઊઠે છે. આવી સંવેદનશીલ વ્યક્તિને સાચવવી અને તેના પ્રેમને જાળવવો એ જેવા તેવા માણસનું કામ નથી. જસ્ટ ટ્વીટઃ- “काँप उठती हुँ मैं यह सोच के तन्हाई में, मेरे चेहरे पर तेरा नाम न पढ ले कोई.” - परवीन शाकिर

Wednesday, August 27, 2014

પ્રેમ એટલે જિંદગી - દિનેશ દેસાઈ




લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
પ્રેમ એટલે જિંદગી,
તારું નામ મારી લીલીકચ્ચ નસોમાં,
ઝરણું બનીને વહી રહ્યું છે સતત.
એ નદી બનીને પાછું,
મારા જ સમુદ્રમાં સમાઈ જાય છે -
નિરંતર.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
મારી આંખે તારા નામનું ઝાકળ,
જાણે ફૂલ પર સંબંધની શોકસભા. 



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
એક તારા નામનો ખાલીપો
આકાશ કરતા વધુ વ્યાપક,
વધુને વધુ ફેલાયેલો,
જેનો કોઈ અંત નથી –
ખરેખર અનંત.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
તારું નામ દરિયાની ભરતી સાથે
આવી જાય ને ઓટ સાથે
ચાલ્યું જાય એવું નથી,
એ તો ખુદ દરિયાની જેમ ચિરસ્થાયી છે.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
પ્રતીક્ષા
આરામ બનીને ઘેરી વળે છે,
પણ
તારા નામનો થાક ઉતરતો જ નથી.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
તારું નામ રોજ સૂર્યોદય સાથે
મારા આંગણામાં વાવેલા છોડમાં
ગુલાબ બનીને મહેંકે છે
અને
હું સૂર્યાસ્ત સુધીમાં તો
કરમાતો જાઉં છું.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
ફૂલોના મુલાયમ કાગળ ઉપર
ઝાકળભીની સ્યાહીથી લખ્યું છે
તારું નામ,
રોજનો છે આ ક્રમ. 



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
મહેંકાવતું રહે છે, તારું નામ,
ફૂલની સુવાસ બનીને
અહર્નિશ-
ન ઉદય,
ન અસ્ત,
તારું નામ.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
પ્રકૃતિની વાટે-ઘાટે પડઘાય તારું નામ,
પવનની લહેરખી જેમ ઘેરી વળે તારું નામ,
નિઃશબ્દ કુંજગલીની એકલતા એટલે તારું નામ,
અડાબીડ વનવેલીની સંગત એટલે તારું નામ. 
  


લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
મન પતંગિયું બનીને ઊડાઊડ કરે,
ઘડીક બેસે, ઊડે ને બેસે,
પરાગરજનો પ્રેમરસ પામતું રહે,
ફૂલ, પ્રત્યેક ફૂલ એટલે તારું નામ.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
સૂરજના પ્રથમ કિરણથી
સૂરજના અંતિમ કિરણ સુધી જ નહીં,
અહોનિશ પ્રકાશતું રહે છે,
તારું નામ મારા રોમ-રોમમાં.
આ છે તારા નામનો જાદુ.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
હિમાયલનાં ગિરિશૃંગોની ઘટા –
મને ઘેરી વળે થીજવી દેવાના ઈરાદે,
ત્યારે સતત હૂંફ આપતું રહે છે,
તારું નામ, તારું નામ, તારું નામ.
બધો જ થાક ઓગાળી દે તારું નામ.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
પર્વતોની ઊંચાઈ તું,
નદીનું કલકલ વહેણ તું,
આકાશનું નિરભ્ર મૌન તું,
રિક્ત બેઠકની પ્રતીક્ષા તું,
મારો ઝુરાપો એટલે તારું નામ. 



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
તારું નામ એટલે
ફૂલોની બારમાસી સંગત,
તારું નામ એટલે જાણે સુવાસનું સરનામું.
શ્વાસોની આવનજાવન એટલે તારું નામ,
અને જનમોના ફેરા એટલે વળી તારું નામ.
તારું... તારું... તારું... નામ.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
ફૂલોની નિસબત એટલે તારું નામ,
તારું નામ એટલે ગુલાબનું સરનામું.
જીવનની મહેંક એટલે તારું નામ
અને પ્રત્યેક પીડાનો ઈલાજ,
તારું નામ.
તારું નામ એટલે દવા બનીને આવતી દુઆ
અને ઉપચારનો ગેબી પ્રકાર,
તારું નામ.



લઘુકાવ્ય - દિનેશ દેસાઈ
જિંદગીના દરિયાની ભરતી
અને
ઓટ પણ ન ભૂંસી શકે,
તારું નામ,
તારું નામ,
તારું નામ.



Monday, January 21, 2013

Monday, October 31, 2011

ગઝલ - - દિનેશ દેસાઈ

ગઝલ
"ઊડવું, ફંગોળવું, બળવું, ઠરી જાવું,
આદમીના હાથમાં ક્યાં છે મરી જાવું? 0

શોક, ભય, ઈચ્છા, અભીપ્સા, વાસના હર પળ,
તે છતા ક્યાં પાલવે એથી ડરી જાવું? 0

નાવ, નાવિક ને હલેસાં, કેટલાં વાનાં?,
છે કઠિન આ ઝાંઝવાનાં જળ તરી જાવું. 0

પારખે ના જે સમયને, ઠોકરો ખાતું,
તાજગી એમાં જ કે ખીલવું-ખરી જાવું. 0

આભ સૌનું પણ અલગ સૌની ક્ષિતિજ એથી,
હોય જે માંડ્યું નસીબે તે ભરી જાવું. 0

બાંધતાં કાંડે છતા બાંધી શક્યું ના કોઈ,
છે સમયનું કામ તો સર્ સર્ સરી જાવું. 0

પાર ગોરંભો કરી ટહુકો જતો એળે,
તો ઉનાળુ સાંજ થઈ અઢળક ઝરી જાવું. 0"
- દિનેશ દેસાઈ.
(ગુજરાત દીપોત્સવી)

Friday, August 19, 2011

એક ગઝલ.............
"એક સાંજે આંખ ફરકી હતી,
ત્યારથી એ સાવ ગળતી હતી.
મોગરાની જેમ મ્હેકી ઊઠી,
છોકરી જાણે ઊઘડતી હતી.
ઝાંઝવાની વાતમાં દમ હશે,
જાતની તો એય હરણી હતી.
રાત આખી રાહ જોતી રહી,
કે ઉદાસી આમ વસમી હતી.
રેશમી સંગાથ પાછો મળે,
કામના એ રોજ કરતી હતી."
-દિનેશ દેસાઈ
("પ્રેમઝરૂખો" સંગ્રહમાંથી)