Showing posts with label swaminarayan. Show all posts
Showing posts with label swaminarayan. Show all posts

Tuesday, June 19, 2018

એકાગ્રતા એટલે સફળતાનો રાજમાર્ગ - દિનેશ દેસાઈ




  1. એકાગ્રતા એટલે સફળતાનો રાજમાર્ગ - દિનેશ દેસાઈ


ગ્રીસના મહાન તત્વચિંતક ઍરિસ્ટૉટલે કહ્યું છે કે “તમે કોઈ પણ કામ પૂરી એકાગ્રતાથી કરતા રહો તો તમને એક દિવસ અવશ્ય પરિણામ (સફળતા) મળે જ છે.” ધર્મ, ભક્તિ, ધ્યાન, પૂજા-પ્રાર્થના, સાધના, તપ વગેરે ઉપાય જુદા જુદા હોઈ શકે પરંતુ ઈશ્વર સુધી પહોંચવાના માર્ગ ઉપર ચાલતા રહો તો એક દિવસ મંઝિલ અવશ્ય પ્રાપ્ત થાય જ છે.
રાજકુમાર સિદ્ધાર્થ જે રસ્તા ઉપર ચાલ્યા એ પછી ભગવાન બુદ્ધ તરીકે ઓળખાયા. રાજા ભરથરી પણ ઋષિ ભર્તુહરિ તરીકે જાણીતા બન્યા. રાજા ગોપીચંદ અને રાજા હરિશ્ચંદ્રની જીવનકથાનો સારાંશ પણ ધર્મ અને ભક્તિની દિશામાં પ્રેરણાદાયી છે. કોઈ પણ મહાપુરુષોના જીવનના વિવિધ પ્રસંગો અસાધારણ અને પ્રેરક છે. જીવન જીવવાનું ચાલકબળ એમાંથી મળી રહે છે.
ધર્મ-ભક્તિની અઘરી વાત સાદા સીધા શબ્દોમાં કરતા બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજે કહ્યું છે કે “ચાળીસ વર્ષ સુધી સતત અક્ષરમંદિરમાં વાસણ ઉટક્યા છે, તંઈએ આ ગાદી ઉપર બેઠા છીએ.”
સમગ્ર મનુષ્યદેહ દુર્લભ પણ છે અને અમૂલ્ય પણ છે. આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન એટલું તો આગળ વધ્યું જ છે કે મૃતદેહમાંથી કિડની, લીવર, હૃદય અને બે આંખનું પ્રત્યારોપણ કરી શકાય છે. મૃત્યુની સમીપ સરકી રહેલા કુલ ત્રણ માણસને જીવન આપી શકાય છે અને આંખથી દિવ્યાંગ કમ સે કમ બે અલગ અલગ વ્યક્તિને દૃષ્ટિ પણ આપી શકાય છે. પરંતુ જીવવિજ્ઞાની લેબોરેટરીમાં કિડની, લીવર કે આંખ બનાવી શકતા નથી. હૃદયના સ્ટેન્ટ અને પૂર્જા વગેરે બજારમાં આવી ગયા પણ હ્યુમન હાર્ટ નહીં.



એક જીવવૈજ્ઞાનિકે કહ્યું હતું કે માનવદેહની કિંમત આંકી શકાય નહીં, કેમ કે તેને બજાર પ્રૉડક્ટ પ્રમાણે બનાવી શકાતો નથી. આમ છતા તેની વેલ્યુ 6000 મિલિયન ડૉલર કે તેનાથી અધિક ગણાય. સમગ્ર દુનિયાની વસતી આશરે 6 અબજથી અધિક ગણીએ તો દુનિયાની એક એક વ્યક્તિ એક એક કરોડ રૂપિયાનો ફાળો આપે તો પણ માનવદેહ મળી શકે નહીં. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે “કરોડ રૂપિયા ખર્ચતા પણ આ મનુષ્યદેહ નહીં મળે.”
દેશની સ્વતંત્રતાના અરસામાં યાને સને 1947ના સમયમાં એક તોલા (દસ ગ્રામ) સોનાનો ભાવ વીસ રૂપિયા હતો. ચાળીસ વર્ષ બાદ સને 1986-87માં એક તોલા (દસ ગ્રામ) સોનાનો ભાવ અઢી હજાર રૂપિયા હતો. હવે ત્રીસ વર્ષ બાદ સને 2017માં એક તોલા (દસ ગ્રામ) સોનાનો (રોજેરોજ ભાવ બદલાતા હોવાથી) સરેરાશ ભાવ રૂપિયા 28,500થી રૂપિયા 29,000 છે. ગુણાતીતાનંદ સ્વામીએ 230 વર્ષ પહેલા કરોડ રૂપિયાવાળી વાત કરી હતી. એ હિસાબે આજે માનવદેહની મૂલ્યવૃદ્ધિ ગણવી રહી.
જીવવિજ્ઞાનીઓએ દુનિયામાં માણસની એવરેજ એજ 100 વર્ષ ગણાવી છે. અલબત્ત 100 વર્ષની સરેરાશ આયુ તો ચીન અને જાપાનમાં પૉસિબલ છે. અમેરિકામાં આ એવરેજ 70થી 75 વર્ષની છે, તો આપણા દેશમાં આ એવરેજ એજ 60થી 65 વર્ષની છે. માણસ 100 વર્ષ જીવી લે છે, એમ માની લઈએ. પરંતુ એ પછી તો બધું ખતમ. આપણને આપણા પિતા અને તેમના પિતા યાને દાદાનું નામ ખબર હોય, એ પછી વડવાઓના નામો પુછવામાં આવે તો આપણને ખબર જ ના હોય.
વંશ-વારસો પણ આપણને યાદ રાખશે એમ માનવું ભુલભરેલું છે. એક, બે અને ત્રણ પેઢી સુધી જ ખબર હોય. બીજી તરફ પેઢીઓ વીતી જવા છતા નાગર કૃષ્ણભક્ત નરસિંહ મહેતાનું નામ સૌને યાદ હોય. આ ભક્તકવિ આપણી ન્યાતના ના હોય અથવા આપણે એમની જ્ઞાતિના કે સગાં ન હોઈએ તો પણ એમને યાદ રાખીએ છીએ તે ભક્ત અને ભક્તિની કમાલ છે. ભક્તિ અમરત્વ અપાવી દે છે.



સૃષ્ટિના સર્જક કુદરત કે ભગવાનથી કોઈ મહાન નથી. આકાશમંડળમાં એક નિહારિકા યાને એક બ્રહ્માંડમાં એક અબજ તારાઓ સહિત ગ્રહમંડળ છે, જેમાં એક પૃથ્વી પણ આવી ગઈ. અવકાશવિજ્ઞાનીઓ કહે છે કે કુલ સાડા ત્રણ અબજ નિહારિકાઓ અસ્તિત્વ ધરાવે છે. હવે એક નિહારિકામાં જો એક અબજ તારાઓ સહિત ગ્રહમંડળ અને પૃથ્વી છે, તો સાડા ત્રણ અબજ નિહારિકાઓમાં કેટલા ગ્રહમંડળ ને કેટલા તારામંડળો ને કેટલી પૃથ્વીઓ? ગણ્યા ગણાય નહીં ને તો’ય પાર આવે નહીં એટલા ગામો, શહેરો, રાજ્યો અને દેશો અને ખંડ-પ્રખંડો.

સ્પેસસાયન્ટિસ્ટોએ તો હમણા થોડા વખત પહેલા કહ્યું કે સાડા ત્રણ અબજ નિહારિકાઓ છે પરંતુ વેદો-ઉપનિષદો અને પુરાણોમાં તથા જુદા જુદા ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે અનંત કોટિ (અગણિત કરોડો) બ્રહ્માંડ યાને નિહારિકાઓ છે. ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સકળ લોકમાં અનંત કોટિ બ્રહ્માંડ છે અને આ અક્ષર (બ્રહ્મ, બ્રહ્મસ્વરુપ)ના એક એક રોમમાં અનંત કોટિ બ્રહ્માંડ ફરફરે છે. એવા અક્ષરબ્રહ્મસ્વરુપ આગળ સામાન્ય માનવી એટલે દરિયા આગળ ટીપું પણ ન ગણાય.
જસ્ટ ટ્વીટઃ-
“વિદ્યાયામ્ અધ્યાત્મવિદ્યાઃ”
– ઋગ્વેદ




Monday, June 18, 2018

જીવનના મૂલ્યની અમૂલ્ય વાત - દિનેશ દેસાઈ





જીવનના મૂલ્યની અમૂલ્ય વાત - દિનેશ દેસાઈ


અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ “સ્વામીની વાતો”માં કહ્યું છે કે “દુર્લભમાં દુર્લભ મનુષ્યદેહ છે અને એમાંય દુર્લભમાં દુર્લભ સત્સંગ છે.” દુર્લભ એટલે શું? દુનિયાની તમામ સંપત્તિ આપી દેવામાં આવે તો પણ જે પ્રાપ્ત ન થાય તેને દુર્લભ કહી શકાય. આજે એકવીસમી સદીમાં જ્ઞાન-વિજ્ઞાનની પ્રગતિ થઈ છે, તેમ છતા દુનિયાનો કોઈ જીવવિજ્ઞાની લેબોરેટરીમાં કૃત્રિમ રીતે માનવદેહ બનાવી શકતો નથી.
આપણી પાસે અમૂલ્ય ચીજ હોય પરંતુ આપણને તેનું મૂલ્ય સમજાતું નથી. આપણને બે આંખનું મૂલ્ય ન હોય પરંતુ જે દૃષ્ટિહીન હોય તેના માટે આંખ અમૂલ્ય છે. તે વિના આંખે પણ આંખોના સપનાં જોતો હોય છે. સમય પણ અમૂલ્ય છે પરંતુ રેતઘડીમાં રેતીની જેમ સરી જતો સમય વીતી જાય પછી જ આપણને તેનું મૂલ્ય સમજાતું હોય છે. વીતેલા સમયને પાછો લાવી શકાતો નથી.
ભગવાન ગૌતમ બુદ્ધના જીવનના પૂર્વાશ્રમનો એક જાણીતો પ્રસંગ છે. રાજપરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ રાજકુમાર સિદ્ધાર્થ. રાજમહેલમાં ધન-વૈભવ અને નોકર-ચાકર વચ્ચે ઉછરતા રાજકુમાર સિદ્ધાર્થને દુનિયાના ભૌતિક દુઃખો વિશે કોઈ જ ખ્યાલ નહોતો. એક દિવસ રાજકુમારે મહેલની બહારની દુનિયા જોવા અને નગરચર્યાએ જવાની જીદ કરી. જેવા તેઓ મહેલની બહાર નીકળ્યા કે તરત સામે તેમને એક વૃદ્ધ દેખાયો. કેડેથી વળી ગયેલો, ભુખથી પેટ સંકોચાઈ ગયેલું, હાથ-પગ દોરડી જેવા પાતળા, દેખાવ ચીંથરેહાલ, લંગડાતી ચાલ અને હાથમાં લાકડી.
રાજકુમાર સિદ્ધાર્થે પોતાની સાથેના સેવકને પૂછ્યું કે “આ માણસની આવી દશા કેમ થઈ છે?”
સેવકે કહ્યું કે “વૃદ્ધાવસ્થાને કારણે તેની આવી દશા થઈ છે.”
રાજકુમારે વળી સવાલ કર્યો કે “વૃદ્ધાવસ્થા કેમ આવતી હોય છે?”



સેવકે જવાબ આપ્યો કે “હે રાજન, જન્મ પછી વર્ષ પ્રતિ વર્ષ માણસની ઉંમર વધે એમ કાળક્રમે તેનામાં વિવિધ રોગ-વિકાર સાથે વૃદ્ધાવસ્થા આવતી જ હોય છે.”
રાજકુમારે કુતૂહલથી પૂછ્યું કે “શું વૃદ્ધાવસ્થા બધાને આવે?”
સેવકે કહ્યું કે “હા, રાજન, દરેક માણસને વૃદ્ધાવસ્થા આવે. રાજા, રંક અને ફકીર સહુ કોઈને આવે. સ્ત્રીને પણ આવે અને પુરુષને પણ વૃદ્ધાવસ્થા આવે.”
રાજકુમાર સિદ્ધાર્થની શાહી સવારી થોડી આગળ વધી કે સામેથી એક અંતિમયાત્રા આવતી રાજકુમારે જોઈ. એક નનામીને ખભે ઊંચકીને ચાર માણસો ચાલી રહ્યા હતા અને પાછળ પાછળ સફેદ કપડાં પહેરીને ઘણા બધા માણસો “રામ બોલો ભાઈ, રામ...”ના નારા સાથે જઈ રહ્યા હતા.
સમગ્ર દૃશ્ય જોઈને રાજકુમારે પૃચ્છા કરી કે “આ વળી શું છે?”
સેવકે કહ્યું કે “મહારાજ, આ અંતિમયાત્રા છે.”
રાજકુમાર બોલી ઊઠ્યા કે “પણ, એમાં વળી આ માણસને બાંધીને શા માટે અને ક્યાં લઈ જવામાં આવે છે?”
સેવકે જવાબ આપ્યો કે “હે સ્વામી, માણસ મૃત્યુ પામ્યો છે. આથી તેને નનામી (અર્થી) સાથે બાંધીને સ્મશાને લઈ જવામાં આવે છે. સ્મશાન માણસનું અંતિમધામ હોય છે. જ્યાં સ્વજનો મૃતદેહને મૂકીને સળગાવી દેતા હોય છે. આખેઆખો માણસ મર્યા પછી રાખ યાને માટી થઈ જાય છે. મૃતદેહની રાખ વાસણ ઘસવા પણ કામ આવતી નથી. મોત પછી માણસનું કોઈ મૂલ્ય નથી. ઘરમાંથી પણ મૃતદેહને લઈ જવા સ્વજનો ખુદ કાઢો... કાઢો... એમ કહેતા હોય છે.”



રાજકુમારે પૂછ્યું કે “શું મોત બધાને આવે?”
સેવકે વિનમ્રતાથી જવાબ આપ્યો કે “હા, રાજન. મોત બધાને આવે અને બધાના હાલ આવા જ થવાના. મોત અમીર-ગરીબ, રાજા કે રંક, એવા ભેદભાવ રાખતું નથી. જે માણસ જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. વન બાય વન, બધા મરવાના.”
રાજકુમારે ચિંતિત થઈને પૂછ્યું કે “તો પછી મૃત્યુથી ઉગરવાનો કોઈ ઉપાય ખરો?”
સેવક બોલ્યો કે “મોત કોઈને છોડતું નથી. એમાંથી બચવાનો કોઈ ઉપાય હોય તો એક જ કે ભગવદભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ.”
જીવનનું સત્ય મોત છે એવું બ્રહ્મજ્ઞાન થયા પછી જ રાજકુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો. એ પછીની વાત પણ જાણીતી છે કે તેઓએ બોધિ વૃક્ષ નીચે ઉગ્ર તપશ્ચર્યા કરીને બુદ્ધત્વ પામ્યા. ભગવાન બુદ્ધની તપશ્ચર્યા સાથે જોડાયેલું બોધિ વૃક્ષ આજે પણ મોજુદ છે. એ સ્થળનું નામ બોધિગયા છે.
જસ્ટ ટ્વીટઃ-
“પુનરપિ જનમમ્ પુનરપિ મરણમ્, પુનરપિ જનની જઠરે શયનમ્,
ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્, ભજ ગોવિંદમ્ મૂઢ મતેઃ”
– ગીતા ઉપર શંકરાચાર્ય ભાષ્ય